
વડોદરા: દેશમાં લોકસભાની ચૂંટણી જાહેર થઇ છે ત્યારથી વડોદરામાં ભાજપને એક પછી એક મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. રંજનબેન ભટ્ટને વડોદરા લોકસભા બેઠક માટે ત્રીજી વખત રિપીટ કરાયા તેની સામે પૂર્વ મેયર ડો.જ્યોતિ પંડયાએ બળવો પોકાર્યો હતો. ગઇકાલે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપતા પ્રદેશ નેતૃત્વ દોડતુ થયુ હતુ. હવે રંજનબેન ભટ્ટ સામે શહેરમાં પોસ્ટર વોર શરૂ થયું છે. શહેરમાં રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ બેનર લાગ્યા છે જેને લઇને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ અને ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે બેનરો કોણે લગાવ્યા તે દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસે હવે આ મામલે કોંગ્રેસના કાર્યકર્તા હરેશ ઓડની અટકાયત કરી છે.
વડોદરા શહેરના સંગમ અને કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ભાજપના લોકસભાના ઉમેદવાર રંજનબેન વિરુદ્ધવિસ્તારમાં લાગેલા CCTV ફૂટેજની ચકાસણી માટે ફ્લાઈંગ સ્ક્વોડ પહોંચી હતી. તેમ જ ચૂંટણી પંચે પોસ્ટર મામલે રિપોર્ટ માગતા વડોદરા પોલીસની વિવિધ ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ફ્લાઈંગ સ્ક્વોડ CCTV ફૂટેજની ઝીણવટપૂર્વક તપાસ કર્યા બાદ પોલીસે આ મામલે વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ હરેશ ઓડની અટકાયત કરી છે.
રંજન ભટ્ટને વડોદરા લોકસભાની સીટ માટે જાહેરાત કરાઈ ત્યાર બાદ શહેર ભાજપના જ અનેક લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. શહેરમાં મંગળવારની મોડી રાતે સંગમ અને કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટી પાસે રંજનબેન ભટ્ટના વિરોધમાં પોસ્ટરો લાગ્યા હતા. આ સાથે ધારાસભ્ય મનીષાબેન વકીલના જનસંપર્ક કાર્યાલયના બોર્ડ પાસે પણ રંજનબેન વિરુદ્ધના પોસ્ટર લગાવાયા હતા.
વડોદરા શહેરના સંગમ અને કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ભાજપના લોકસભાના ઉમેદવાર રંજનબેન વિરુદ્ધમાં લખવામાં આવ્યુ છે કે, ‘મોદી તુજસે વેર નહીં રંજન કેરી ખેર નહીં’, ‘વડોદરાનો વિકાસ ક્યાં ગયો, કોઇના ગજવામાં કે ઘરમાં ગયો, જનતા જવાબ માંગે છે.’રંજનબેન ભટ્ટ વિરુદ્ધના પોસ્ટર કોણે લગાવ્યા તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.