જેલમાં બંધ પૂર્વ IPS સંજીવ ભટ્ટને મોટી રાહત, કોર્ટે આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા

પોરબંદર: જેલમાં બંધ ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ(Saniv Bhatt)ને 1997ના કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં મોટી રાહત મળી છે, પોરબંદરની એક કોર્ટે સંજીવ ભટ્ટને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે, કોર્ટે કહ્યુ કે ફરિયાદ પક્ષ વાજબી શંકાથી આગળનો કેસ સાબિત કરી શક્યો નથી.
એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મુકેશ પંડ્યાએ શનિવારે પોરબંદરના તત્કાલિન પોલીસ અધિક્ષક (એસપી) સંજીવ ભટ્ટને નિર્દોષ જાહેર કર્યા હતા. તેમની વિરુદ્ધ આરોપીની કબૂલાત મેળવવા માટે ગંભીર ઇજા પહોંચાડવા સંબંધિત કલમો અને અન્ય જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પુરાવાના અભાવને કારણે શંકાનો લાભ આપીને તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતાં.
આદેશ જાહેર કરતી વખતે, કોર્ટે જણાવ્યું હતું કે, આ કેસમાં જાહેર સેવક તરીકે ફરજ બજાવતા આરોપી સામે કાર્યવાહી કરવા માટે જરૂરી મંજૂરી લેવામાં આવી નથી. સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ વજુભાઈ ચાઉ (જેમની સામે કેસ તેમના મૃત્યુ પછી પડતો મૂકવામાં આવ્યો હતો)ની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 330 (કબૂલાત મેળવવા માટે ઈજા પહોંચાડવી) અને 324 (ખતરનાક હથિયારોથી ઈજા પહોંચાડવી) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…Surat માં વિધર્મીએ લગ્નની લાલચ આપી 40 લાખ પડાવ્યા, ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી પણ આપી
કોણે લગાવ્યા હતાં આરોપો:
આ આરોપો નારણ જાધવ નામના વ્યક્તિએ લગાવ્યા હતા. તેણે કહ્યું કે ટાડા અને આર્મ્સ એક્ટના કેસમાં તેમને પોલીસ કસ્ટડીમાં શારીરિક અને માનસિક ત્રાસ આપીને કબૂલાત મેળવવામાં આવી હતી.
હજુ જેલમાં જ રહેશે સંજીવ ભટ્ટ:
આ કેસમાં નિર્દોષ જાહેર થયા છતાં સંજીવ ભટ્ટ જેલમાં જ રહેશે કેમાં કે તેમની સામે અન્ય ઘણા કેસ ચાલી રહ્યા છે. સંજીવ ભટ્ટને અગાઉ જામનગર 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત 1996માં પાલનપુરમાં રાજસ્થાન સ્થિત વકીલને ફસાવવા માટે ડ્રગ્સ વાવવાના કેસમાં તેમને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. હાલ તે રાજકોટ સેન્ટ્રલ જેલમાં બંધ છે.