ગુજરાતમાં બેવડી ઋતુથી રોગચાળોવકર્યો: દર્દીઓથી ઉભરાયાં દવાખાનાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં સવારે અને રાત્રે ઠંડી પડી રહી છે અને બપોરે ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. રાજ્યના અનેક મોટાં શહેરો અને જિલ્લામાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં ઝાડા-ઉલટી, તાવ, શરદી, મલેરિયા, ડેન્ગ્યુ, કમળાના કેસમાં ઉછાળો આવ્યો છે. જેના પગલે મોટાં શહેરોમાં હોસ્પિટલો દર્દીથી ઉભરાઈ રહી છે. રાજ્યમાં બેવડી ઋતુને પગલે ઉંમરલાયક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવાના વારો આવ્યો છે. વાદળછાયું વાતાવરણ રહેતા રાજ્યમાં રોગચાળો વકર્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જૂનાગઢ, જામનગર, ગાંધીનગર, અમરેલી, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાઠા, ખેડા, આણંદ, ડાંગ, પંચમહાલ સહિતના જિલ્લા અને મોટાં શહેરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં એક સપ્તાહમાં દસ હજાર ઝાડા-ઉલટી, ૭૦ હજાર તાવના, ૮૦ હજાર શરદી, ચાર હજાર મલેરિયા, બે હજારથી વધુ ડેન્ગ્યુ, પાંચ કમળાના કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવા લાગી છે. ઓપીડી માટે લાઈન લાગે છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧૫ દિવસમાં ૩૫ હજાર ૫૦૦ લોકોની ઓપીડી નોંધાઈ છે. ઝાડા-ઉલટીના ૮૦ અને કમળાના ૬૮ કેસ નોંધાયા છે.