કમલમમાં બેઠક- મંત્રીઓની ગુસપુસ વચ્ચે મુખ્યપ્રધાનને દિલ્હીનું તેડું: શેના એંધાણ?
અમદાવાદઃ એકતરફ ભાજપ કાર્યાલયમાં બેઠકોનો દોર, બે મંત્રીનોની ગુપસુપનો વાયરલ થયેલો વિડીયો, વળી કેન્દ્રીય ગૃહ પ્રધાનની ગુજરાત મુલાકાત અને આ બધાની વચ્ચે રાજ્યના મુખ્યપ્રધાનને દિલ્હીનું તેડું આવ્યું છે. આજે ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદીને મળવા માટે દિલ્હીના પ્રવાસે જઈ રહ્યા છે. મુખ્યપ્રધાનની મુલાકાતથી રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના દિલ્હી પ્રવાસના હેતુ અંગે સચિવાલયમાં અનેક અટકળો ચાલી રહી છે.
એક તરફ ભાજપ કાર્યાલય ખાતે પણ બેઠકોનો દોર છે. આજે પ્રદેશ કાર્યાલય ખાતે પણ ધારાસભ્યોની બેઠક યોજાઇ રહી છે. વળી હાલમાં જ ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માની ગુસપુસના વાયરલ થયેલા વિડીયોમાં પણ ભાજપના સદસ્યતા અભિયાનના આંકડા વડાપ્રધાને માંગ્યા હોવાની પાકી ખબર મળ્યાની વાતનો ઉલ્લેખ હતો. તમામ ઘટનાક્રમોની વચ્ચે મુખ્ય પ્રધાનને દિલ્હીનું તેડું આવતા રાજકીય અટકળો તેજ થઈ ગઈ છે.
સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 વર્ષ અગાઉ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા, અને રાજ્યના વિકાસના નવા અધ્યાયની શરૂઆત કરી હતી. આ અવસરે, ગુજરાત સરકારે વિકાસ સપ્તાહની ઉજવણી શરૂ કરી છે અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાનને શુભેચ્છા પાઠવવા તથા વિકાસ સપ્તાહના કાર્યક્રમો અંગે ચર્ચા કરવા માટે દિલ્હી ગયા છે.
બીજી બાજુ, ગુજરાતમાં ભાજપના સદસ્યતા અભિયાનમાં ધીમો પ્રતિસાદ મળી રહ્યો છે. બે કરોડ સભ્યોના લક્ષ્યાંક સામે માત્ર 95 લાખ સભ્યો નોંધાયા છે, જેની અસર નેતૃત્વમાં નિરસતા રૂપે દેખાઈ રહી છે. ભાજપે વિક્રમી 159 બેઠકો જીતવા છતાં, આ વખતે સદસ્યતા અભિયાનમાં લોકપ્રિયતા નીચી જોવા મળી છે. 2019માં 1.19 કરોડ સભ્યો નોંધાયા હતા અને 2024માં ભાજપે લગભગ ત્રણ કરોડ જેટલા મત પ્રાપ્ત કર્યા હતા, છતાં આ અભિયાનમાં પ્રતિસાદ ઓછો રહ્યો છે. આ સાથે, મુખ્યપ્રધાન દિલ્હી પ્રવાસના હેતુ વિશે રહેલી અસ્પષ્ટતાએ રાજ્યમાં રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. હવે પ્રવાસ બાદ હકીકત સામે આવશે.
જો કે આ મુલાકાતમાં મુખ્ય પ્રધાનની સાથે મુખ્યસચિવ રાજકુમાર પણ છે, આથી વહીવટી તંત્ર અંગેની ચર્ચા થવાની સંભાવના રહેલી છે. વળી આગામી સમયમાં સરદાર જ્યંતિની ઉજવણીના કાર્યક્રમોની ગુજરાતમાં કેવી રીતે ઉજવણી કરવી તે અંગે પણ આ મુલાકાત દરમિયાન ચર્ચા થઈ શકે છે. એટલું જ નહીં, રાજ્યના વહીવટી તેમજ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓની બદલી અંગે પણ ચર્ચા-વિચારણા થાય તેવું માનવામાં આવી રહ્યું છે.