ગીર સોમનાથ, જૂનાગઢના કમોસમી વરસાદગ્રસ્ત વિસ્તારોમાં CM ભૂપેન્દ્ર પટેલ કરશે ગ્રાઉન્ડ ઝીરો નિરીક્ષણ…

અમદાવાદ: તાજેતરમાં જ રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મોટાપાયે નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે વિશેષ નુકસાન થયું છે અને કપાસ અને મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો.
આથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઇ ગયો હતો. ત્યારે હવે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની સ્થિતિના નિરીક્ષણ માટે આજે ગામોની મુલાકાત લેવાના છે.
મળતી વિગતો અનુસાર, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તાજેતરના કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની સ્થિતિના નિરીક્ષણ માટે આજે આ જિલ્લાઓના ગામોની મુલાકાત લેશે.
મુખ્ય પ્રધાન ખેડૂતો પર આવી પડેલી આ કુદરતી વિપદામાં તેમની પડખે ઊભા રહેવાની સંપૂર્ણ સંવેદનશીલતા સાથે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના કડવાસણ અને જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના પાણીદ્રા ગામોના અસરગ્રસ્ત ખેડૂતો સાથે રૂબરૂ વાતચીત કરીને સ્થળ પરની સ્થિતિની સમીક્ષા કરશે.
મુખ્ય પ્રધાન સાથે ગીર સોમનાથના કડવાસણ ગામની મુલાકાતમાં કેબિનેટ પ્રધાન અર્જુન મોઢવાડિયા અને ડૉ. પ્રદ્યુમન વાજા તથા જૂનાગઢના પાણીદ્રા ગામની મુલાકાતમાં રાજ્ય પ્રધાન કૌશિક વેકરીયા પણ જોડવાના છે.
આ પણ વાંચો…કચ્છમાં કમોસમી માવઠાને લીધે ખુલ્લામા રહેલો પાક ધોવાઈ ગયો, ખેડૂતો તારાજ



