૭૯મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રજાજોગ સંદેશમાં શું કહી વાત?

૭૯મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રજાજોગ સંદેશમાં શું કહી વાત?

ગાંધીનગર: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે દેશના ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યની જનતાને શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્ય પ્રધાને સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ-સંધ્યાએ ગુજરાતના નાગરિકોને રાષ્ટ્ર હિત પ્રથમનો ભાવ હરહંમેશ હૈયે રાખવાનું આહ્વાન કરતો પ્રજાજોગ સંદેશ પાઠવ્યો છે.
 
આઝાદીના સાડા સાત દાયકાથી વધુ સમય પૂર્ણ કરીને ભારત દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. આજે ભારત દેશ વિકાસની હરણફાળ ભરીને વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન પામવા માટે સક્ષમ બન્યો છે, તેમ જણાવી મુખ્ય પ્રધાને આઝાદીનું વટવૃક્ષ સિંચનારા દેશના ક્રાંતિવીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્ર પુરુષોના ત્યાગ, તપસ્યા અને બલિદાનને બિરદાવ્યા હતા. સ્વતંત્રતાના 79મા પર્વની, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આઝાદીના સાડા સાત દાયકાથી વધુ સમય પૂર્ણ કરીને આપણે સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગે કદમ ભરી રહ્યા છીએ. આજે આપણો દેશ વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન પામવા સક્ષમ બન્યો છે. વૈશ્વિક વિકાસની હરણફાળ ભરી રહ્યો છે.

તેના પાયામાં પોતાના લોહી-પરસેવાથી આઝાદીનું વટવૃક્ષ સિંચનારા ક્રાંતિવીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્ર પુરુષોના ત્યાગ, તપસ્યા અને બલિદાન પડેલા છે. ભારત માતાને વિદેશી શાસનમાંથી મુક્તિ અપાવવા વર્ષોના વર્ષો સંઘર્ષ કરીને બ્રિટિશરોની લાઠી-ગોળી ખાનારા એ સૌ પુણ્યાત્માઓને આજે નત મસ્તક વંદન કરવાનો પણ અવસર છે.

રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ હૈયે હોય અને સ્વનું નહીં સમસ્તનું ભલું કરવાની પ્રતિબદ્ધતા હોય તો અસરકારક પરિણામો મેળવી શકાય છે. ભારતે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લીડરશીપમાં ઓપરેશન સિંદુરની સફળતાથી દુનિયાને એ બતાવ્યું છે.

આતંકવાદ કે દેશની સુરક્ષા-સલામતિ સામેનો કોઈ કાંકરી ચાળો ભારતમાં ચાલશે નહીં એવો સાફ સંકેત વડા પ્રધાનએ દુનિયાને આપી દીધો છે. પીએમની પ્રેરણાથી દેશમાં તિરંગા યાત્રા દ્વારા રાષ્ટ્રપ્રેમનો માહોલ ઉજાગર થયો છે. ગુજરાતમાં આપણે ગામેગામ અને નગરો-શહેરોમાં હર ઘર તિરંગા અભિયાનથી જનજનમાં રાષ્ટ્રહિત પ્રબળ બનાવ્યું છે.

ભાઈઓ બહેનો, આ વર્ષનું સ્વતંત્રતા પર્વ આપણા માટે વિશેષ મહત્વનું પર્વ છે.
 
1960માં મુંબઈ રાજ્યથી અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા આપણા ગુજરાતના 75 વર્ષ એક દાયકા પછી એટલે કે 2035માં થવાના છે. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વિકાસની જે ભવ્ય ઇમારત રચી છે તેને ગુજરાત @ 75માં વૈશ્વિક વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડવાનો આપણો સંકલ્પ છે. ભારતની આઝાદીના 100 વર્ષ 2047માં પુરા થાય અને દેશ સ્વતંત્રતાની શતાબ્દી ઉજવે તે પહેલાં ગુજરાતને તો આ એક મોટો અવસર મળવાનો છે.

વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સૌના કલ્યાણ, સૌના વિકાસ અને સૌની સુખ-સમૃદ્ધિની નેમ રાખી છે. આપણે વિકાસના લાભ છેવાડાના, અંત્યોદય, ગરીબ માનવી સુધી 100 ટકા પહોંચે તે સેચ્યુરેશન એપ્રોચથી સુનિશ્ચિત કર્યું છે. સાથો સાથ આહાર, આરોગ્ય, અભ્યાસ અને આર્થિક આધાર પણ સૌને મળે તેવી અનેક જનકલ્યાણ યોજનાઓ-નિર્ણયો કર્યા છે.
 
એટલું જ નહિ, રાજ્યની ઉજ્જવળ આવતીકાલ માટે દીકરીઓના અને વિજ્ઞાન પ્રવાહના શિક્ષણને પ્રોત્સાહન આપવા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરી છે. સ્વસ્થ અને સક્ષમ ભવિષ્યના નિર્માણ માટે આંગણવાડીઓથી લઈને પ્રાથમિક શાળાના ભૂલકાંઓને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાથી પોષક આહાર પૂરો પાડીએ છીએ.
 
કૃષિ અને ગ્રામીણ અર્થતંત્રથી લઈને વેપાર ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, દરેકે દરેક ક્ષેત્રોમાં સૌને ઉડીને આંખે વળગે તેવો વિકાસ ગુજરાતે કર્યો છે. વડા પ્રધાને આપેલા રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મ સૂત્રને ગુજરાતમાં ભલીભાંતિ ચરિતાર્થ કર્યું છે.

પોલિસી ડ્રિવન સ્ટેટ અને પ્રો-એક્ટીવ ગવર્નન્સની ગુજરાતની ઈમેજને સમય અનુરૂપ પોલીસી રીફોર્મ્સ તથા સમયાનુકૂળ પોલીસી ફ્રેમવર્કથી વધુ ઉજળી બનાવી છે. વિકસિત ભારત 2047ના વડા પ્રધાનના સંકલ્પને સાકાર કરવા આપણે વિકસિત ગુજરાત 2047નો રોડમેપ તૈયાર કર્યો છે. આ માટે શાસન વ્યવસ્થાને પણ સજ્જ કરવા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન અને વિકસિત ગુજરાતના આ રોડ મેપના અમલના મોનિટરિંગ માટે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન-ગ્રિટની રચના કરી છે.

આ બધા જ આયામો ખેડૂત, ગરીબ, વંચિત, છેવાડાના અને સામાન્યમાં સામાન્ય માનવી, યુવા, નારી શક્તિને ‘અર્નીંગ વેલ, લિવિંગ વેલ’થી સર્વગ્રાહી વિકાસ માટે આદર્યા છે. આપણો તો શાસન મંત્ર જ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો છે. સૌને માથે પાકી આવાસ છત માટે વડાપ્રધાને પ્રધાનમંત્રી આવાસ યોજના આપી છે. ગુજરાતમાં શહેરી વિસ્તારમાં 9 લાખ અને ગ્રામીણ ક્ષેત્રમાં 2 લાખ 20 હજાર જેટલા આવાસો PMAY માં બનાવીને જરૂરતમંદ લોકોને પાકા આવાસ આપ્યા છે.

76 લાખ અંત્યોદય પરિવારોના કુલ 3 કરોડ 26 લાખ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ આપીએ છીએ. આદરણીય વડાપ્રધાને દેશના દરેક નાગરિકના આરોગ્ય સુખાકારીની ચિંતા કરી છે. યોગ અને પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપીને કોઈને બીમારી ન જ આવે તેવી તેમનો ધ્યેય છે.

પરંતુ આમ છતાં પણ જો કોઈ પરિવારમાં બીમારી આવે, ગંભીર રોગ થાય તો PMJAY આયુષ્યમાન કાર્ડથી સરકાર તેમની સારવાર માટે પડખે ઊભી છે. ગુજરાતમાં 2 કરોડ 90 લાખ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે અને લાખો પરિવારો કેશલેસ સારવારનો લાભ મેળવે છે. ટી.બી. મુક્ત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત માટે પણ સઘન જનજાગૃતિ ઝુંબેશ ઉપાડી છે.

આદિજાતિ બાંધવો હોય કે શ્રમિક પરિવારો તેમની પણ શિક્ષણ, રહેઠાણ, આરોગ્યની ચિંતા આ સરકારે કરી છે. સાથો સાથ અન્નદાતા-ખેડૂતના હિતોને પણ અગ્રતા આપીને ટેકાના ભાવે ખરીદી હોય કે સિંચાઈ માટે પાણી-વીજળી આપવાના હોય સરકાર હંમેશા પ્રોએક્ટિવ રહી છે.
 
ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા સાથે સમગ્ર રાજ્યમાં લોકોને પીવાનું પૂરતું પાણી મળી રહે તેવું સુદ્રઢ જળ વિસ્તરણ વ્યવસ્થાપન વિકસાવ્યું છે. રાજ્યના શહેરોને સ્માર્ટ અને સસ્ટેનેબલ બનાવવા આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ. આવનારા સમયમાં રાજ્યના શહેરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગેમ્સની યજમાની કરવાના છે. આ તૈયારીના ભાગ રૂપે આપણા મહાનગરોમાં ઉચ્ચ કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રસ્ટ્રક્ચર વિકસાવી રહ્યાં છીએ.

ગુજરાતને વેપાર ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વ નક્શે ચમકાવવા વડાપ્રધાને વાઇબ્રન્ટ સમિટની પરંપરા શરૂ કરાવેલી છે. હવે આપણા નગરો-ગામો પણ ઔદ્યોગિક વિકાસના ભાગીદાર બને તે માટે રિજીયોનલ વાઇબ્રન્ટ સમિટની  એક નવી પહેલ આવનારા મહિનાઓમાં શરૂ કરવાના છીએ. આ સમિટને પગલે ગુજરાત ફ્યુચરિસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે દેશને નવો રાહ ચીંધશે એવો મને વિશ્વાસ છે.
 
ઊભરતાં ક્ષેત્ર એવાં સેમીકન્ડક્ટર સેક્ટરમાં ગુજરાત હબ બનવા જઈ રહ્યું છે. આવનારા દિવસોમાં દેશની પહેલી સેમી કન્ડક્ટર ચીપનું ઉત્પાદન ગુજરાતમાં થવાનું છે. ફ્યુચર રેડી અને આવનારા ભવિષ્યને અનુરૂપ ઉદ્યોગો માટે ગુજરાત ગ્લોબલ ડેસ્ટિનેશન બન્યું છે. આવા ઉદ્યોગોને પરિણામે રાજ્યનાં યુવાનો માટે રોજગારીના અવસરો ખુલ્યા છે. ઔદ્યોગિક એકમોને અનુરૂપ સ્ટાર્ટઅપ યુવાઓના ઇનોવેશનને નવી દિશા મળી છે. યુવા શક્તિના કૌશલ્યથી સ્ટાર્ટઅપ રેકિંગમાં ચાર વર્ષથી ગુજરાત સતત બેસ્ટ પરફોર્મર સ્ટેટ બનતું આવ્યું છે.
 
વડા પ્રધાને વિકસિત-આત્મનિર્ભર-ઉન્નત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનું વિઝન આપ્યું છે. આ વિઝનને હાંસલ કરવા ગુજરાતે પણ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ રાખી છે. વિકસિત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનના લક્ષ્યને પાર પાડવાનો એક મજબૂત આર્થિક પાયો ગુજરાત નાંખવા માગે છે.
 
આ મજબૂત પાયો નાંખવામાં ગ્રીન ગ્રોથ – રિન્યૂએબલ એનર્જીનું મહત્વનું યોગદાન રહેવાનું છે. ગુજરાત રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે. કચ્છમાં વિશ્વના સૌથી મોટા 37 ગીગાવૉટના સોલાર-વિન્ડ હાઈબ્રીડ એનર્જી પાર્કનું નિર્માણ ઝડપથી પૂર્ણ કરવા આગળ વધી રહ્યાં છીએ. પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાના અમલીકરણમાં દેશભરમાં ગુજરાત અગ્રેસર છે.
 
વડા પ્રધાને વિકાસ સાથે પર્યાવરણ સંતુલનને પણ અગ્રતા આપવાની પ્રેરણા આપી છે. આપણી રોજિંદી જીવન શૈલીને પર્યાવરણ અનુકૂળ બનાવવા મિશન લાઈફનો વિચાર તેમણે આપ્યો છે. ધરતી માતાને હરિયાળી બનાવવા અને ક્લાઈમેટ ચેન્જના પડકારો સામે રક્ષણ મેળવવા “એક પેડ માં કે નામ”. વરસાદી પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળસંચય માટે “કેચ ધી રેઇન” અને “અમૃત સરોવર નિર્માણ”.

માનવ જીવન અને જમીન બેયના સ્વાસ્થ્ય માટે “પ્રાકૃતિક ખેતી”
આત્માનિર્ભરતા સાથે સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન અને તેના વ્યાપક ઉપયોગ માટે “વોકલ ફોર લોકલ”
સ્વચ્છતા સાથે રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરતું “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” અભિયાન
આવા રાષ્ટ્રહિત સંકલ્પોથી વિકસિત ભારત  2047ના નિર્માણની વડાપ્રધાને હાકલ કરી છે.
 
79માં સ્વાતંત્ર્ય પર્વે આપણે સંકલ્પ લઈએ
વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં તન, મન ને ધનથી સમર્પિત રહીશું.
ફરી એકવાર આપ સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ભારત માતાકી જય… વંદે માતરમ… જય જય ગરવી ગુજરાત…

આ પણ વાંચો…ગુજરાતના ત્રણ સરપંચને નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button