ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતોને આપી દિવાળી ભેટ, પાક નુકસાન માટે 947 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું…

અમદાવાદઃ રાજ્ય સરકારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદના કારણે પાકને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે ₹947 કરોડનું વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજમાં કેન્દ્ર સરકારના સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ માંથી ₹573 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જ્યારે બાકીની રકમ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ રાહત પેકેજનો લાભ રાજ્યના 5 જિલ્લાના 18 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને મળશે. સરકારે જાહેરાત કરી છે કે, જો જરૂર પડશે તો ખેડૂતોને મદદરૂપ થવા માટે વાવ અને થરાદ જેવા વિસ્તારોને વધારાનું પેકેજ પણ ફાળવવામાં આવી શકે છે.
કૃષિ પ્રધાન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર-2025 થયેલા ભારે વરસાદથી પાકને નુકસાન થયું હતું.જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ–થરાદ જેવા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ધાન, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને અન્ય પાકોમાં મોટું નુકસાન થયું હતું. કુલ 18 તાલુકાના આશરે 800 ગામોમાં પાક નુકસાનનું મૂલ્યાંકન કરીને સહાય ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં ખરીફ ઋતુમાં વાવેતર કરેલ પાકો પૈકી મુખ્યત્વે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળ પાકો તેમજ બહુવર્ષાયુ દાડમ જેવા બાગાયતી પાકોમાં નુકસાન થયાનું જણાયું હતું
પ્રધાને ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા આ 5 જિલ્લાઓના 18 તાલુકાઓ ના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના માટે એસડીઆરએફની જોગવાઈ મુજબ રૂ.563 કરોડ અને રાજય સરકાર દ્વારા ઉદાર અભિગમ અપનાવી રાજ્ય બજેટ માંથી કુલ રૂપિયા રૂ.384 કરોડની વધારાની સહાય ઉમેરી કુલ રૂ.947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું હતું.
તેમણે ઉમેર્યું કે, આ ઉપરાંત, વાવ-થરાદ અને પાટણ જીલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ ભૌગોલિક પરિસ્થિતિના કારણે ભારે વરસાદ અને નદીઓના પુરની પરિસ્થિતિમાં વારંવાર ખેતીલાયક જમીનમાં લાંબા સમય સુધી પાણી ભરાવવાની સમસ્યા ઉપસ્થિત થાય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ/નિવારણ માટે ખાસ પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવશે. આ ખાસ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર દ્વારા અલગથી રૂ.2500 કરોડની જોગવાઈ કરવામાં આવશે.
રાજ્ય સરકારે પાક નુકસાની સહાય માટે નિયત કરેલા ધોરણો આ મુજબ રહેશે. ખરીફ ૨૦૨૫-૨૬ ઋતુના વાવેતર કરેલ બિનપિયત ખેતી પાકોમાં ૩૩ % કે તેથી વધુ નુકસાન માટે SDRF ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ
હેક્ટર મળવાપાત્ર રૂ.૮,૫૦૦/- ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ.૩,૫૦૦/- એમ કુલ રૂ.૧૨,૦૦૦/- પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨(બે) હેકટરની મર્યાદામાં સહાય.
વર્ષાયુ/પિયત પાકોના ૩૩ % કે તેથી વધુ નુકસાન માટે SDRF ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂ.૧૭,૦૦૦/- ની સહાય તેમજ રાજય બજેટ હેઠળ રૂ.૫,૦૦૦/- એમ કુલ રૂ.૨૨,૦૦૦/- પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨(બે) હેકટરની મર્યાદામાં સહાય.
બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં ૩૩ % કે તેથી વધુ નુકસાન માટે SDRF ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં મળવાપાત્ર રૂ.૨૨,૫૦૦/- ની સહાય તેમજ રાજય બજેટ હેઠળ રૂ.૫,૦૦૦/- એમ કુલ રૂ.૨૭,૫૦૦/- પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨(બે) હેકટરની મર્યાદામાં સહાય
આ ઉપરાંત, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે હજુ સુધી પાણી ભરાયેલ હોય તેવા વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂતોને વધુ આર્થિક સહાય મળી રહે તે માટે રાજ્ય સરકાર તરફથી ઉદાર અભિગમ અપનાવીને આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારણાની કામગીરી માટે રાજ્ય બજેટ માંથી ખાસ કિસ્સામાં ઉદાર હાથે રૂ.૨૦,૦૦૦/- પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨(બે) હેકટરની મર્યાદામાં સહાય ચૂકવાશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
આ પણ વાંચો…પંચમહાલથી CM ભૂપેન્દ્ર પટેલ કરાવશે રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ: ૩ લાખ ખેડૂતોને ૫૦૦ કરોડની સહાય…