અમદાવાદમાં છઠ પૂજા ઉજવણીમાં મુખ્ય પ્રધાન સામેલ થયાઃ સુરત, વડોદરામાં પણ આયોજન…

અમદાવાદઃ સુરત, અમદાવાદ અને વડોદરામાં છઠ પૂજાની ભવ્ય ઉજવણી થઈ હતી.જેમાં મોટી સંખ્યામાં બિહારના લોકો છઠી મૈયાની પૂજા કરવા પહોંચ્યા હતા, વરસાદના કારણે થોડી અવ્યવસ્થા થઈ હતી અને લોકોને પૂજા કરવામાં તકલીફ પડી હતી. સૂર્યદેવની આરાધનાના મહાપર્વ છઠ પૂજાની અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે છઠ ઘાટ પર આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં સામેલ થયા હતા.આ ઉપરાંત શહેરના નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી છઠ પૂજા કાર્યક્રમમાં સામેલ થયા હતા. ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન આઈ. કે.જાડેજા અને પૂર્વ ગૃહ પ્રધાન ગોરધન ઝડફિયા પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. શહેરના ઈન્દિરા બ્રિજ ખાતે આવેલા છઠ પૂજા ઘાટ સહિતના સ્થળો પર મહિલાઓએ કુંડમાં ઊભા રહીને હાથમાં શ્રીફળ અને અગરબત્તી રાખીને ભક્તિભાવ સાથે અર્ઘ્ય અર્પણ કર્યું હતું.
અમદાવાદમાં શ્રદ્ધાળુઓની સુવિધા માટે, ઘાટ પર ડોમ અને સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વ્રતધારીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સિક્યુરિટી ગાર્ડથી લઈ ચેન્જિંગ રૂમ સુધીની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી હતી.
સુરત મહાનગરપાલિકાએ પર્વને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓની સુવિધા માટે 10 કુદરતી ઘાટ અને 15 કૃત્રિમ તળાવો સહિત કુલ 25 સ્થળોએ વ્યાપક વ્યવસ્થા ઉભી કરી હતી. આ તમામ સ્થળોએ સફાઈ, લાઇટિંગ, પીવાના પાણી, મોબાઇલ શૌચાલય, ફાયર એનડીઆરએપ ટીમો અને મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ હતી. શહેરમાં પણ મોટી સંખ્યામાં લોકોએ વિવિધ જગ્યાએ છઠ પૂજા કરી હતી. વડોદરામાં પણ શ્રદ્ધાળુઓ છઠ પૂજા માટે ઉમટ્યા હતા. વડોદરામાં રહેતા બિહારના લોકોના કહેવા મુજબ, તેમના માટે આ સૌથી મોટો તહેવાર છે.
આ પણ વાંચો…દિલ્હીમાં છઠ પૂજામાં સામેલ થઈ શકે છે પીએમ મોદી, વાસુદેવ ઘાટ પર સુરક્ષા વધારાઈ



