બસ મોડી થતાં પ્રવાસીઓ વિફર્યાઃ કચ્છ પર્યટને આવેલા પર્યટકોએ પણ વેઠવી પડી મુશ્કેલી…
ભુજઃ રાજ્ય પરિવહનની બસની સતત અનિયમિતતાના પગલે રોષે ભરાયેલા ભુજ તાલુકાના ક્રાફટ વિલેજ તરીકે ઓળખાતા ભુજોડી ગામના રહેવાસીઓએ ચક્કાજામનું શસ્ત્ર ઉગામતાં વહીવટી તંત્ર દોડતું થઇ ગયું હતું.
આ પણ વાંચો : Khyati Hospital કાંડ બાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં, શહેરની 145 હોસ્પિટલના મેડિકલ રેકોર્ડ ચેક કરશે
ભુજ ડેપોથી બપોરે સાડા ત્રણ વાગ્યે ઉપડનારી ભુજોડી રૂટની એસ.ટી બસ દોઢ કલાક બાદ પણ ન આવતાં વિફરેલા વિદ્યાર્થીઓ સહિતના મુસાફરોએ કરેલા ચક્કાજામમાં તાજેતરમાં વાજતે-ગાજતે શરૂ કરવામાં આવેલી ધોરડોથી અમદાવાદ એરપોર્ટ જતી વોલ્વો બસને ખાસ ટાર્ગેટ બનાવીને અટકાવી દેતાં દેશ-વિદેશના પ્રવાસીઓ પણ ફસાયા હતા.
ધમાલ વચ્ચે બસ બ્રેક ડાઉન થઈ હોવાની માહિતી મળતાં ગ્રામજનોએ અન્ય બસની માંગણી કરી હતી. દરમિયાન મામલાની જાણ થતાં ઘટનાસ્થળે દોડી ગયેલા ડેપો મેનેજરે નવી બસ ફાળવીને મામલો માંડ થાળે પાડ્યો હતો.
આ પણ વાંચો : Surat માં હીરા ઉધોગમાં મંદીની અસર શિક્ષણ પર પડી, આટલા વિદ્યાર્થીઓએ અધવચ્ચે શિક્ષણ છોડ્યું
હાલ ચાલી રહેલી પ્રવાસનની ઋતુને લઈ ભુજોડી રૂટની બસને અવારનવાર રદ્દ કરી દેવામાં આવે છે. એક્સપ્રેસ બસોવાળા તેમને બેસાડતા નથી. જેને લઈ નાછૂટકે જોખમી રીતે દોડતા અને ઊંચું ભાડું વસૂલનારા ખાનગી વાહનોનો આસરો લેવો પડી રહ્યો હોઈ એસ.ટી તંત્ર વિરુદ્ધ આ ચક્કાજામ કરવામાં આવ્યો હોવાનું ભુજોડી ગામના લોકોએ જણાવ્યું હતું.