તહેવારોની સિઝન બની “આકરી” : ભુજમાં તાપમાનનો પારો પહોંચ્યો 37 ડિગ્રી
ભુજ: સેકન્ડ સમર તરીકે ઓળખાતા ભાદરવા મહિનાના પ્રારંભને હવે જયારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે વચ્ચે કચ્છ સહીત રાજ્યના કેટલાક વિસ્તારોમાં સમયાંતરે વરસી રહેલા વરસાદે વિરામ લેતાં આગોતરા ભાદરવી તાપની અસર વર્તાઇ રહી છે જેનાથી જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે.
કચ્છના મોટાભાગના મથકોમાં મહત્તમ તાપમાનનો આંક 35થી 38 ડિગ્રી વચ્ચે પહોંચી ચૂક્યો છે અને આજે 37 ડિગ્રી સે. તાપમાન સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. કંડલા(એરપોર્ટ) ખાતે પણ ઉષ્ણતામાનનો પારો 35 ડિગ્રીએ પહોંચતાં અંજાર-ગાંધીધામ વિસ્તાર પણ અકળવનારા તાપમાં શેકાયા હતા.
આ પણ વાંચો : ભુજમાં દેશભક્તિના ગીત ગાતાં ગાતાં જ ઢળી પડ્યા શિક્ષિકા !
આ ઉપરાંત અબડાસા તાલુકાના નલિયામાં 34 ડિગ્રી તાપમાન રહેતાં અહીં ગરમીમાં આંશિક રાહત અનુભવવા મળી હતી. લઘુતમ પારો પણ ઊંચકાઈને 26થી 28 ડિગ્રી વચ્ચે પહોંચી જતાં સૂર્યાસ્ત બાદ ઉકળાટથી જનજીવન હાલ અકળાઈ રહ્યું છે. રક્ષાબંધનનો તહેવાર સંપન્ન થયો અને જન્માષ્ટમી નજીક આવી રહી છે ત્યારે અચાનક વાતાવરણમાં આવેલા નાટકીય પલ્ટાથી લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે.
આગામી બોળચોથ, નાગપાંચમી, રાંધણછઠ તેમજ સાતમ-આઠમના તહેવારોની શરૂઆત થઈ જવા રહી હોય તેવામાં અચાનક ગરમીનો પ્રકોપ વધી જતાં બપોરના સમયે બજારોમાં પણ ચહેલ પહેલમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. સાંજના પાંચ વાગ્યા બાદ લોકો ખરીદી માટે બજારોમાં જવાનું પસંદ કરી રહ્યા છે