Bhuj રેલવે સ્ટેશનને મળશે વધુ એક અત્યાધુનિક પ્લેટફોર્મ, રેલવે ખર્ચશે આટલા કરોડ
ભુજઃ રેલ મંત્રાલય દ્વારા દેશના રેલવે સ્ટેશનોને મિશન ગ્રીન એનર્જી અન્વયે આધુનિક બનાવવાના પ્રકલ્પ અંતર્ગત સરહદી કચ્છના મુખ્ય મથક ભુજ ખાતેના રેલવે મથકનું રૂ.૧૮૦ કરોડના ખર્ચે શરૂ કરાયેલા અને પૂર્ણતાના આરે આવેલાં નવીનીકરણ કાર્ય ઉપરાંત પ્રવાસીઓની સુવિધા માટે અગાઉ નક્કી કર્યા મુજબ નવી પીટલાઈન તેમજ નવાં સ્ટેશન યાર્ડ નજીક નવા પ્લેટફોર્મને બનાવવા માટે નવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.
આ અંગે રેલવેના અંતરંગ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવા રેલવે સ્ટેશનમાં બે પ્રવેશદ્વાર બનવાના છે જેમાં મુખ્ય પ્રવેશદ્વાર હાલના વર્તમાન સ્ટેશનના સ્થળે જ આકાર પામી રહ્યું છે જેમાં ત્રણ પ્લેટફોર્મ પહેલાંથી અસ્તિત્વમાં છે અને પાછળના ભાગે બની રહેલાં બીજા પ્રવેશદ્વારમાં એરપોર્ટ રીંગરોડથી પહોંચી શકાશે જેથી આ પ્રવેશદ્વારને જોડતું નવું અને સ્ટેશનનું ચોથું પ્લેટફોર્મ યાર્ડ પાસે આકાર પામશે.
કુલ ૪૦ કરોડના ખર્ચે આ સુવિધા ઊભી કરવા રેલવે દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. લાઇન નંબર ૬ સાથે આ પ્લેટફોર્મ જોડાશે. બાંધકામમાં કોન્ટ્રકટરને સારી ગુણવતાના સિમેન્ટ, લોખંડ સહિતની વસ્તુ વાપરવા, સુરક્ષા તેમજ રેલ વ્યવહાર પ્રભાવિત ન થાય તે સહિતની તમામ બાબતોએ સૂચના જાહેર કરાઈ છે.
નવા પ્લેટફોર્મ અને પીટલાઇનના કારણે કચ્છને અન્ય નવી ટ્રેન મળવાની શક્યતાઓ વધી જાય છે. ભુજ-નલિયા બ્રોડગેજ લાઈનનું કામ પૂર્ણ થઈ ગયું છે અને તેનું ટેસ્ટિંગ હાલ ચાલુમાં છે ત્યારે ભવિષ્યમા નલિયા સુધીની રેલસેવા શરૂ થતા ટ્રેનો ભુજમાં વધારે હોલ્ટ કરે તેવી સ્થિતિ સર્જાશે.
દરમ્યાન, રેલવે દ્વારા દર વર્ષે તહેવારમા વધારાની ટ્રેનનું સંચાલન કરવામાં આવે છે ત્યારે આગામી દીપોત્સવી પર્વ માટે મુંબઈ માટે વધારાની સ્પેશિયલ ટ્રેન દોડાવાય તેવી માંગ પ્રવાસી વર્ગે કરી રહ્યા છે. અત્યારે દોડતી ટ્રેન હાઉસફુલ હોઈ, ટિકિટ મળવી અત્યંત મુશ્કેલ હોવાનું મુંબઈથી ભુજ અપડાઉન કરતા રહેતા દ્વિજલ મામતોરાએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રીન બિલ્ડીંગ સર્ટિફિકેશન’ સાથેના ન્યુ ભુજ રેલવે સ્ટેશનમાં અલગ અલગ આગમન-પ્રસ્થાન યાત્રી પ્લાઝા, સ્ટેશન પરિસર ભીડમુક્ત અને સુગમ પ્રવેશ- નિકાસ, પાર્કિંગ વ્યવસ્થા હશે.
ભીડ ઓછી કરવા માટે પ્લેટફોર્મ ઉપર યાત્રી સુખ-સાધનો અને સુવિધાઓથી યુક્ત પૂરતા કોનકોર્સ-પ્રતીક્ષા સ્થાન બનાવવામાં આવશે તેમજ દિવ્યાંગજનો માટે સંપૂર્ણપણે અનુકૂળ બનાવવામાં આવશે.
‘ગ્રીન બિલ્ડીંગમાં ઊર્જા, પાણી તથા અન્ય સંસાધનોનો કુશળ ઉપયોગ, રિન્યુએબલ ઊર્જાના ઉપયોગ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.આ ઉપરાંત સોલાર પેનલ યુક્ત છત,૩૨૪૦ ચો.મી. ધરાવતા કોન્કોર્સ, ૬ મીટર પહોળા ૨ ફુટના ઓવર બ્રિજ, ૧૩ લિફ્ટ,૧૦ એસ્કેલેટર્સ, ઇલેક્ટ્રિક વાહનો માટેના ઈવી ચાર્જિંગ સ્ટેશન વગેરે આધુનિક સુવિધાઓથી સુસજ્જિત સ્માર્ટ સ્ટેશન બનાવાશે.