Kutch માં માતાના મઢ અને ધોરડો સફેદ રણ જવું સરળ બનશે, ભૂજ –નખત્રાણા ફોર લેન વિકસાવાશે…
ગાંધીનગર : ગુજરાતમાં કરછ(Kutch)જિલ્લાના પ્રવાસન સ્થળો માતાના મઢ- ધોરડો- સફેદ રણ જેવા પ્રવાસન સ્થળે જવામાં લોકોને સરળતા રહે તે માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ભૂજ –નખત્રાણા 45 કિ.મી. રોડને ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર તરીકે વિકસાવાવાની જાહેરાત કરી છે. જેની માટે
રૂપિયા 937 કરોડ રૂપિયા મંજુર કર્યા છે. સરકારે રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળોને જોડતા માર્ગો સહિતના અગત્યના માર્ગોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો અભિગમ અપનાવ્યો છે.
આ પણ વાંચો : નર્મદામાં ભારે થઈઃ માગણીઓ ન સંતોષાતા બે જણ મોબાઈલ ટાવર પર ચડી ગયા ને…
પાનન્ધ્રો લિગ્નાઈટ માઈન્સને જોડતો સૌથી મહત્વનો માર્ગ
હાલની સ્થિતીએ 10 મીટર પહોળાઈનો આ માર્ગ હાઈ સ્પિડ કોરીડોર થવાથી સુપ્રસિધ્ધ તીર્થ સ્થળ માતાના મઢ તેમજ નારાયણ સરોવર અને ધોરડો તથા સફેદ રણ જેવા પ્રવાસન સ્થળે આવાગમન માટે ભવિષ્યમાં વધુ સુગમતા થશે. આ રસ્તો આંતરરાષ્ટ્રિય સરહદ અને પાનન્ધ્રો લિગ્નાઈટ માઈન્સને જોડતો સૌથી મહત્વનો માર્ગ હોવા ઉપરાંત આ અંતરિયાળ જિલ્લાને રાજ્યના અન્ય જિલ્લાઓ તેમજ દેશના અન્ય રાજ્યોના જિલ્લાઓ સાથે જોડતો રસ્તો પણ છે. આમ, 45 કિ.મી.નો આ ભૂજ-નખત્રાણા માર્ગ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર થવાથી સરળ, ઝડપી અને ઈંધણ બચત યુકત યાતાયાત ભવિષ્યમાં શક્ય બનશે.
માતાના મઢનું ધાર્મિક મહત્વ
કચ્છમાં ભુજથી ઉત્તર પશ્ચિમે 80 કિલોમીટર દૂર આવેલા, માતાના મઢ ખાતે આવેલું આશાપુરા માનું મંદિર વીતેલાં 600 વર્ષમાં કચ્છના લોકોની આસ્થાનું જીવંત પ્રતીક બની ગયું છે. આ મઢનો મહિમા ઈસુની 14મી સદીના પ્રારંભે લાખો ફુલાણીના પિતાના રાજદરબારમાં મંત્રી તરીકે રહેલા 2 કરડ વાણિયાઓ અજો અને અનાગોરે આ મંદિર બનાવ્યું હતું.
વર્ષ દરમિયાન લાખોની ભક્તો દર્શન માટે આવે છે
જેને કચ્છમાં આવેલા 1819ના ભૂકંપમાં ભારે નુકસાન થયું હતું એ પછી પાંચ વર્ષના ગાળામાં, આ મંદિરને બ્રહ્મક્ષત્રિય સુંદરજી શિવજી અને વલ્લભાજીએ ફરી બંધાવ્યું હતું. લગભગ 58 ફૂટ લાંબા, 32 ફૂટ પહોળા અને 52 ફૂટ ઊંચા એ પ્રાચીન મંદિરને કચ્છમાં વર્ષ 2001માં માં આવેલા મહાવિનાશક ભૂકંપમાં પણ નુકસાન થયું હતું અને તેનો ગુંબજ તૂટી ગયો હતો.હાલ આ મંદિરને હવે ભવ્યતમ બનાવી દેવાયું છે. અહીં બિરાજમાન આશાપુરા માની છ ફૂટ ઊંચી અને છ ફૂટ પહોળી રાતા રંગની મૂર્તિ સ્વયંભૂ છે. નવરાત્રિમાં અહીં દર્શનાર્થીઓનો મહેરામણ ઊમટે છે. છેક મુંબઈથી પણ ભાવિકો પગપાળા માનતા કરીને આવે છે. વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો અહીં આવે છે.
કચ્છમાં સફેદ રણનું પ્રવાસીઓમાં અનેરું આકર્ષણ
ગુજરાતનો સરહદી જિલ્લો કચ્છ જિલ્લાએ પ્રવાસન ક્ષેત્રે ગુજરાતના અન્ય જિલ્લાઓની સરખામણીએ વધુ ઝડપી વિકાસ કર્યો છે. કચ્છમાં અનેક પ્રવાસન સ્થળો છે. જેને માણવા દેશ-વિદેશના લાખો પ્રવાસીઓ દર વર્ષે કચ્છ આવે છે. વિશ્વ પ્રસિદ્ધ રણોત્સવ પણ અહી આયોજિત થાય છે.
11 નવેમ્બરથી 15 માર્ચ સુધી રણોત્સવ 2024નું આયોજન
છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં રણોત્સવ યોજાઇ રહ્યો છે. ત્યારથી પ્રવાસીઓનો ધસારો વધી ગયો છે. આ વર્ષે કચ્છના સફેદ રણમાં 11 નવેમ્બરથી 15 માર્ચ સુધી રણોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ડ્રોન શૉ અંડર વોટર ડાન્સનું પર્ફોર્મન્સ અને ઘણું બધુંઃ તૈયાર થઈ જાઓ અમદાવાદના આ કાર્નિવલ માટે
ધોરડો ગામનો 54 ઉત્કૃષ્ટ પ્રવાસન ગામોમાં સમાવેશ
ધોરડો ગામ જેનો વિશ્વ પ્રવાસન સંસ્થા UNWTO દ્વારા વિશ્વના 54 ઉત્કૃષ્ટ પ્રવાસન ગામોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.તે ગામની પાસે રણોત્સવ યોજાય છે. ઉલ્લેખનીય છે કે ધોરડોના સફેદ રણમાં જવા માટે વહીવટી તંત્ર દ્વારા ભીરંડીયારા ખાતેની ઓફિસ ખાતેથી પરમીટ લેવી પડે છે.