ભુજ જમીન કૌભાંડ: નાયબ કલેક્ટર ગલચરનું જેલવાસ બાદ સસ્પેન્સન નિશ્ર્ચિત | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

ભુજ જમીન કૌભાંડ: નાયબ કલેક્ટર ગલચરનું જેલવાસ બાદ સસ્પેન્સન નિશ્ર્ચિત

ભુજ: સરકારી નિયમોનો છડેચોક ભંગ કરીને ભુજ શહેરમાં આવેલી ૧.૩૮ એકર સરકારી ખરાબાની જમીનને લાગુની જમીન તરીકે મંજૂર કરવાના અને બાદમાં તેને રહેણાંક હેતુ બિનખેતી કરી આપવાના ગુનામાં ધરપકડ થયેલા વધુ એક નાયબ કલેક્ટરની ફરજમોકૂફી નિશ્ર્ચિત થઈ જતાં ભ્રષ્ટ બાબુઓમાં ફફડાટ ફેલાયો છે. રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલા આ ગુનામાં ગત ૧૬મી નવેમ્બરે કચ્છના તત્કાલીન નાયબ કલેક્ટર અને હાલે વડોદરામાં અધિક કલેક્ટરની રૂએ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના રીહેબિલિટેશન એન્ડ રિસેટલમેન્ટ પ્રોજેક્ટમાં ઈન્ચાર્જ જોઈન્ટ ડિરેક્ટર તરીકે પદભાર સંભાળતા ૫૭ વર્ષીય સેજાભાઈ લક્ષ્મણભાઈ ગલચરએ સીઆઈડી સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. એક દિવસના રીમાન્ડ બાદ ૧૮ નવેમ્બરે અદાલતે તેમને ભુજની પાલારા જેલની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યાં હતાં. ગત ૨૧મી સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ ભુજમાં સીઆઈડી ક્રાઈમ બોર્ડર રેન્જ પોલીસ મથકે ભુજના મામલતદાર કલ્પના ગોંદિયાએ આ કૌભાંડ બદલ તત્કાલીન કલેક્ટર અને સસ્પેન્ડેડ આઇપીએસ અધિકારી એવા પ્રદીપ શર્મા અને નિવાસી નાયબ કલેક્ટર સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અંતર્ગત અત્યાર સુધીમાં પ્રદીપ શર્મા, તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર ફ્રાન્સિસ એ. સુવેરા, નાયબ કલેક્ટર એસ.એલ. ગલચર, તત્કાલીન મામલતદાર અને હાલે તાપી વ્યારામાં અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવતા રજનીકાંત જે. વલવી અને તત્કાલીન સર્કલ ઑફિસર સુરેન્દ્ર દવે, બિલ્ડર સંજય શાહ અને તેના પાર્ટનર અને જાણીતા હોટેલિયર પ્રકાશ વજીરાણી સહિત કુલ પાંચ સરકારી અધિકારી મળી સાત આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. સાતેય આરોપી હાલ પાલારા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ધરપકડ થયાં બાદ રાજ્ય સરકારે રજનીકાંત વલવીને સસ્પેન્ડ કરી દીધાં છે. આ ગુનામાં હજુ એક આરોપી એવા તત્કાલિન નિવાસી નાયબ કલેક્ટર અજિતસિંહ ઝાલાની ધરપકડ બાકી છે. ઝાલાએ ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીન અરજી ભુજ સેશન્સ કોર્ટે ફગાવી દેતાં તેમણે ગુજરાત હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જે અંગે મંગળવારે હાઈ કોર્ટ હુકમ જાહેર કરે તેવી શક્યતા હાલ જોવાઈ રહી છે.ઉ

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button