જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન પર ૪ લાખની વીજચોરીનો ગુનો: સ્થાનિક રાજકારણમાં ચકચાર... મુંબઈ સમાચાર

જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન પર ૪ લાખની વીજચોરીનો ગુનો: સ્થાનિક રાજકારણમાં ચકચાર…

ભુજ: ભાજપ શાસિત કચ્છ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા તેમના ઘરનું વીજ મીટર બાયપાસ કરીને વીજળીની ચોરી કરતાં ઝડપાતાં સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર પ્રસરી છે.

આ પણ વાંચો : કચ્છમાં ગૃહિણી બની ‘ડિજિટલ એરેસ્ટ’નો ભોગ: હજારો રુપિયાની કરાઈ છેતરપિંડી

આ અંગે જાણવા મળેલી વિગતો અનુસાર, ગત દિવાળી પરના થોડા દિવસો અગાઉ 24 ઓક્ટોબરના રોજ વીજ તંત્રની વિજિલન્સ ટીમે નખત્રાણાના મણિનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં તપાસ કરીને વીજ મીટર બાયપાસ કરી બારોબાર વીજ વપરાશ કરાતો હોવાની ગેરરીતિ પકડી પાડી હતી. વિજિલન્સની ટીમે ચેડાં કરાયેલા મીટર સાથે વીસ વીસ મીટરના કેબલના બે ટૂકડા પણ જપ્ત કર્યાં હતાં.

મકાન માલિક રાજેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા તથા રાજેન્દ્રસિંહે મકાન જેમની પાસેથી ખરીદયું હતું તે ભાવનાબેન મનીષભાઈ આશર કે જેમના નામે વીજ જોડાણ બોલે છે તેમની સામે ઈન્ડિયન ઈલેક્ટ્રીસીટી એક્ટની કલમ 135 હેઠળ નખત્રાણાના નાયબ ઈજનેર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી. વીજ જોડાણ કાપી નાખ્યા બાદ નિયમ મુજબ પચાસ ટકા રકમ ભરપાઈ કરી દીધી હોવાનું રાજેન્દ્રસિંહે જણાવ્યું હતું. વીજ તંત્રએ 3 લાખ 96 હજાર 429 રૂપિયાની વીજ ચોરી અને 11 હજાર રૂપિયા કમ્પાઉન્ડિંગ ચાર્જ લગાડ્યો હતો.

આ પણ વાંચો : ભુજની પાલારા જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઇ ગયેલો નકલી કલેકટર ભોપાલથી ઝડપાયો

અત્રે ઉલ્લેખનીય છે કે, નખત્રાણાની નેત્રા બેઠક પરથી ચૂંટાયેલો ભાજપનો જ પદાધિકારી ખુલ્લેઆમ લાખોની વીજ ચોરી કરતાં રંગેહાથ ઝડપાતાં રાજકીય આલમમાં આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

Back to top button