આપણું ગુજરાતભુજ

બંધ કરી દેવાયેલ સમુદ્રી સીમાદર્શન પ્રોજેકટ ફરી ટૂંક સમયમાં શરૂ થશે…

ભુજ: કચ્છને જોવા-માણવા દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમા અંગે જાણકારી મેળવે તેમજ સંવેદનશીલ સરહદ પર તૈનાત સીમા સુરક્ષા દળના જવાનોની કામગીરીથી પરિચિત થાય તેવા ઉમદા હેતુથી ભારતમાં પ્રથમ વખત પશ્ચિમી છેડેથી “સમુદ્રી સીમાદર્શન” પ્રોજેક્ટને ગત ફેબ્રુઆરી મહિનામાં સમુદ્ર રફ બનવાનું કારણ આગળ ધરીને બંધ કરી દેવાયો હતો. આગામી દિવાળી વેકેશનને ધ્યાને લઈને સરકાર દ્વારા કચ્છના સીમાવર્તી લક્કીનાળામાં નવી આધુનિક જેટીનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે જેથી આ સમુદ્રી સીમા દર્શન સેવા ટૂંક સમયમાં શરૂ થાય તેવા ઉજળા સંકેત મળી રહ્યા છે.

આ પણ વાંચો : Gujarat Tourism: છોટાઉદેપુરના આ ગામને મળ્યો શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા-૨૦૨૪નો એવોર્ડ…

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા દેશમાં પ્રથમ વખત સમુદ્રી સીમા દર્શનની શરૂઆત કરવામાં આવી છે આ સ્થળે અગાઉ માત્ર એક બોટ હતી.અહીં વિવિધ અસુવિધા બાબતે પ્રવાસીઓએ રજૂઆતો પણ કરી હતી. આ પ્રકલ્પનો ફરી સર્વે કરીને જૂન માસમાં નવી જેટીનું કાર્ય ચાલુ કરાયું હતું. લક્કીનાળામાં પ્રવાસીઓ માટે વેઇટીંગ રૂમ, બુકિંગ કાઉન્ટર સહિતની સુવિધા છે. ૬ અને ૮ સીટની ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા સંચાલિત કેટલીક વધારાની સેફટીના માપદંડ સાથેની બોટોનો ઉમેરો કરી દેવાશે જેથી પ્રવાસીઓ સમુદ્રી સીમા દર્શનનો આનંદ લઇ શકશે. મુસાફરોને બોટમાં ચડવા અને ઉતરવામાં સરળતા રહે એ ડિઝાઇનથી જેટીનું નિર્માણ કરાયું છે.

નારાયણ સરોવરમાં પ્રવાસન વિભાગની હોટલ તોરણમાં બોટનું બુકિંગ થાય છે તે ઉપરાંત નારાયણ સરોવર ત્રણ રસ્તે લક્કી તરફ જતા માર્ગે રસ્તા પર બોર્ડ લગાવાયુ છે જેથી વાહન ચાલકો સહેલાઈથી લક્કીનાળા સુધી પહોંચી શકે. સમુદ્રી સીમા દર્શન માટે શરૂઆતમાં એક બોટ હતી ત્યારે સતત વેઈટિંગ રહેતું હવે બોટની સંખ્યામાં વધારો થતા લોકો વધુ સીમા દર્શન કરી શકશે.

આગામી સમયમાં અહીં ફ્લોટિંગ જેટી, વૉચ ટાવર, મરીન ઇન્ટરપ્રીટેશન સેન્ટર, મેન્ગ્રોવ વૉક, ફૂડ કિઓસ્ક, ઇન્ફોર્મેશન સેન્ટર, કન્વેશન સેન્ટર, પબ્લિક યુટિલિટી, બીએસએફ ઈન્ટરએક્શન ફેસિલીટી, ભુંગા રીસોર્ટ, એડવેન્ચર પાર્ક, નેચર ટ્રેઈલ્સ, મેન્ગ્રુંવ વોક, ફૂડ કિઓસ્ક વગેરે જેવા આકર્ષણો ઉમેરવામાં આવશે. પ્રોજેક્ટમાં ગુજરાતના પ્રવાસન વિભાગ સાથે બીએસએફ, ફોરેસ્ટ વિભાગ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ સહયોગી છે. થોડા સમય બાદ બોર્ડર રાઈડ સાથેસાથે પ્રવાસીઓને પ્રતિબંધિત દરિયાઈ ટાપુઓ પર લઈ જવામાં આવશે અને ત્યાં “મેન્ગરૂવ સફારી” દ્વારા પ્રવાસીઓને યાદગાર અનુભવ કરાવવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button