આ કારણે ભુજના રસ્તાઓ પર ખડકાઈ ગયા ગાર્બેજ ટેમ્પો
ભુજ શહેરમાં સાફ સફાઈ તેમજ રખડતાં ઢોર પકડવા સહિતની કામગીરી કરતા કર્મચારીઓ પર છેલ્લા કેટલાક સમયથી થઇ રહેલા હિચકારા હુમલાઓની ઘટનાઓના પ્રત્યાઘાત રૂપે સુધરાઇના ૫૦૦થી વધુ કર્મચારીઓ સ્વયંભૂ અચોક્કસ હડતાળ પર ઉતરી ગયા છે.
સુધરાઈ કર્મીઓ પર હુમલાઓ થતા અટકે અને તેમની સલામતી જળવાઈ રહે તેવી માંગ સાથે મુખ્ય માર્ગો પર સુત્રોચાર કરવામાં આવ્યા હતા.
થોડા દિવસો અગાઉ ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર ઉપર પોલીસની હાજરી વચ્ચે ગૌ-રક્ષકોએ કરેલા હુમલાના એક દિવસ પૂર્વે એક સફાઈ કર્મચારીને પણ આવા કહેવાતા ગૌ રક્ષકે માર માર્યો હતો.
જન્માષ્ટમીના તહેવારો પૂર્ણ થયા બાદ હડતાળ પર ઉતર્યા હોવાનું કર્મીઓએ જણાવ્યું હતું. ભુજના ટાઉન હોલ ખાતે મળેલી સામાન્ય સભા બાદ પાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે કર્મચારીઓની માંગણીને વ્યાજબી ગણાવી હતી તો હડતાળ સમેટી લેવા વિનંતી પણ કરી હતી.
આ અંગે ભુજ નગર પાલિકાના સેનીટેશન વિભાગના હરેશ રાઠોડે જણાવ્યું હતું કે, પાલિકાના સફાઈ કર્મી ઉપર ગૌ રક્ષક દ્વારા અગમ્ય કારણોસર હુમલો કરી માર મારવામાં આવ્યો હતો, આ પ્રકારના બનાવો ભૂતકાળમાં પણ બની ચૂક્યા છે, ત્યારે વારંવાર પાલિકા કર્મીઓ ઉપર થતા હુમલાના બનાવો પર લગામ લાગે તેમજ ગૌ રક્ષાના નામે દાદાગીરી કરતા તત્વો સામે પોલીસ કાર્યવાહી થાય તેવી માગણી થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બેમુદ્દતી હડતાળના પગલે ડોર ટુ ડોર કચરા એકત્રીકરણની કામગીરી આજે ઠપ્પ થઈ જતા માહિતી કેન્દ્રના માર્ગે ડમ્પિંગ કરતા ટેમ્પોની કતારો જોવા મળી રહી છે.