ભુજના લોરીયા પાસે કેમિકલ ભરેલું પલટ્યું; લોકોની આંખો-ત્વચામાં બળતરાથી ભય…

ભુજ: ભુજ તાલુકાના લોરીયા ગામ નજીક શુક્રવારની વહેલી પરોઢે હાઈડ્રોક્લોરિક એસિડ ભરેલું ટેન્કર અકસ્માતે માર્ગ પરથી પલટી જતા તેમાં રહેલુ આ કેમિકલ લીક થવા લાગતાં લોકોની આંખો-ત્વચામાં બળતરા અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
આ પણ વાંચો : ધોરડોથી સફેદ રણના વોચ ટાવર સુધી પહોંચવું બનશે સરળ, 80 કરોડના ખર્ચે બનશે ગ્રીન ફિલ્ડ એલાઇમેન્ટ રોડ
ઘટના અંગે જાણવા મળેલી વિગતો મુજબ, શુક્રવારે પરોઢે પાંચ વાગ્યે લોરીયા ગામ પાસેથી પસાર થતા ધોરીમાર્ગ ઉપરથી મીઠાનું ઉત્પાદન કરતી એગ્રોસેલ કંપનીમાં જઈ રહેલું હાઇડ્રોક્લોરિક એસિડનું પરિવહન કરનારું ટેન્કર પલટી ખાઈ જતા તેમાંથી આ કેમિકલ લીકેજ થવા માંડ્યું હતું.
બનાવની જાણ થયે ધસી આવેલી ફાયર વિભાગની ટીમે એગ્રોસેલ કંપનીના અધિકારીઓને સાથે રાખીને, તેમની સુચના મુજબ ટેન્કરમાં થતું લીકેજ બંધ કર્યું હતું. આ લીકેજના લીધે લોકોની આંખોમાં અને ત્વચામાં બળતરા થવા લાગતાં ભય ફેલાયો હતો.
આ પણ વાંચો : સમાજસેવક અને ડોક્ટરની પરોપકાર વૃતિએ ભચાઉના પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરને ગુમાવેલી દૃષ્ટિ પાછી આપી
અત્રે એ નોંધનીય છે કે, હાઇડ્રોક્લોરિક એસિડને મ્યુરિયાટિક એસિડ અથવા મીઠાના સ્પિરિટ તરીકે પણ ઓળખવામાં આવે છે.