ઉબડખાબડ ઉડાનઃ ભાવનગરના વેપારીઓ આ કારણે છે પરેશાન
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ભાવનગર દ્વારા કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાને પત્ર પાઠવી જણાવવામાં આવેલ છે કે એક ખાનગી એરલાયન્સ દ્વારા છેલ્લા લગભગ બે વર્ષથી પુના-ભાવનગર અને ભાવનગર-બોમ્બે-ભાવનગર તથા ભાવનગર-પુનાની ફ્લાઈટ ઓપરેટ થાય છે.
આ ત્રણેય ટ્રીપમાં પૂરતા પ્રમાણમાં ટ્રાફિક રહે છે આમ છતાં સ્પાઈસ જેટ દ્વારા આ ફ્લાઈટ ટાઈમમાં અનિયમિત અને વારંવાર રદ્દ થાય છે. તેની ખુબ જ પ્રતિકૂળ અસર ફ્લાઈટમાં મુસાફરી કરતા મુસાફરોને થાય છે અને તેમના નિર્ધારિત કામો ખોરવાય જાય છે. દર અઠવાડીયે લગભગ ૨ દિવસ અને આ અઠવાડિયામાં ૧૯.૧૦.૨૦૨૩થી ૨૬.૧૦.૨૦૨૩ સુધી બંધ રહેનાર છે. આ ઉપરાંત આ ફ્લાઈટની અનિયમિતતા અને કેન્સલેશનને કારણે ભાવનગરની એર કનેક્ટિવિટીને પણ વિપરીત અસર થાય છે.
આ ઉપરાંત પત્રમાં વિશેષમાં જણાવાયુ છે કે તાજેતરમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહેલ છે અને ત્યારબાદ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તેવા સમયે આ ફ્લાઈટની અનિયમિતતાનાં કારણે મુસાફરોને ખુબ જ તકલીફ પડે છે. પૂરતો ટ્રાફિક મળતો હોવા છતાં એરલાયન્સ દ્વારા ભાવનગર સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે તે યોગ્ય નથી. આ અંગે ભાવનગરનાં રાજ્યસભાનાં સાંસદ અને કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવીયા અને સાંસદ ડૉ.ભારતીબેન શિયાળને પણ યોગ્ય કરવા સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે.