ભાવનગરમાં કથિત હનુમાન ચાલીસા વગાડવા બાબતે દરજી પર હુમલો, લોકોએ રાજસ્થાનના કનૈયાલાલ હત્યાકાંડને કર્યો યાદ
ભાવનગર: ભાવનાગરમાં દરજી કામ કરતાં એક વ્યક્તિ પર અમુક શખ્સોએ હુમલો કર્યાનું બહાર આવ્યું છે. ભોગ બનનાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે પોતાની દુકાનમાં હનુમાન ચાલીસા વગાડવાની વાતનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો છે. જેને લઈને ભાવનગર પોલીસે ફરિયાદ લઈને તપસના ચક્રો ગતિમાન કર્યા છે.
ભાવનગરના કુંભારવાડાની આ ઘટના 1લી ફેબ્રુઆરીની છે. જેમાં દરજીકામ કરતાં રાજેન્દ્ર ચૌહાણ ઉપર 3 શખ્સોએ ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો. જેને લઈને પોલીસે સાકેત માંકડ, મુન્નાભાઇ સહિત એક સગીર સામે ફરિયાદ નોંધી છે. આ બાબતે SPનું નિવેદન બહાર આવ્યું છે કે ભોગ બનનાર દ્વારા અગાઉ છાણ નાંખવા બાબતે પોલીસમાં અરજી કરી હતી જેનો ખાર રાખીને હુમલો કરવામાં આવ્યો છે. પરંતુ દરજી કામ કરતાં વ્યક્તિએ આક્ષેપ કર્યો છે કે હકીકત કરતાં પોલીસ અલગ ફરિયાદ લખી રહી છે.
આપને જણાવી દઈએ કે ભોગ બનનાર વ્યક્તિ વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલો છે. જેને લઈને હિન્દુ સંગઠોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને આરોપી સામે કડક પગલાં ભરવા માટે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે હાલ સોશોયલ મીડિયમાં આ ઘટનાને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને અગાઉની રાજસ્થાનના કનૈયાલાલની હત્યાની ઘટના સાથે સરખાવી રહ્યા છે.