ત્રણ વર્ષે માંડ કાર્યરત થયેલા ભાવનગરનાં યશવંતરાય નાટ્યગૃહને ફાયર સેફ્ટીનાં અભાવે ફરી તાળા
ભાવનગરઃ ભાવનગર જ નહિ અન્ય શહેર અને પ્રદેશના કલાસાધકો માટે મંદિર સમાન ભાવનગરનાં યશવંતરાય નાટયગૃહને જાણે કોઇની કાળી નજર લાગી ગઈ હોય તેમ પાછલા લગભગ પાંચેક વર્ષમાં આ નાટ્યગૃહ બંધ રહેવાના કારણે સમાચાર માધ્યમમાં વધુ ચમકતું રહ્યું છે, લગભગ ત્રણેક વર્ષ સુધી રીનોવેશન માટે બંધ રહ્યા બાદ થોડા માસ પૂર્વે મુખ્યમંત્રી દ્વારા તેનું લોકાર્પણ થયું જેનો રાજીપો કલાજગતને જ નહિ ભાવનગરની કલાપ્રિય જનતાને પણ હતો પરંતુ ત્યાં ફરી ફાયર સેફ્ટીના કારણોસર યશવંતરાય નાટ્યગૃહને પોણા બે મહિનાથી તાળા લાગ્યા છે.
તોતીંગ રકમ ખર્ચી થોડા માસ પૂર્વે જ લોકાર્પીત થયેલ યશવંતરાય નાટ્યગૃહમાં ફાયર સેફ્ટીની સુવિધા તો અપડેટ જ નથી થઈ. રાજકોટના ટીઆરપી ગેમઝોનની કરુણ ઘટના બાદ સરકારે કડકાઈ દાખવતા ફાયર સેફ્ટી માટે રાજયભરમાં તંત્ર વાહકો એ કાયદાનો દંડો ઉગામ્યો છે ત્યારે તાકીદની અસરથી યશવંતરાય નાટ્યગૃહ પણ બંધ કરાવતા શૉ આયોજકોમાં દોડધામ થઈ પડી છે. શૉ આયોજકો અને અન્ય ખાનગી ઈવેન્ટ્સ મળી લગભગ 22 જેટલા કાર્યક્રમો રદ્દ કરવાની નોબત આવી પડી છે. જેના કારણે શૉ આયોજકો, કલાકારોની રોજી રોટી છીનવાઈ છે તો કલાપ્રેમી નગરજનોના મનોરંજન પર પણ તરાપ લાગી છે. પરંતુ આજે પોણા બે મહિના છતાં હજુ યશવંતરાય નાટ્યગૃહમાં ફાયર સેફ્ટી માટે ચાચૂડી ઘડાવુંની નીતિ ભારે ટીકાસ્પદ બની છે. ગ્રાન્ટ ફાળવણીના અભાવે યશવંતરાય નાટ્યગૃહમાં ફાયર સેફ્ટીની કામગીરી અટકી પડી છે, સબંધિત વિભાગના ઢીલા કાન ભાવનગરની રાજકીય ઉપજણ કેટલી છે તેનો સુપેરે પરિચય કરાવે છે !
ઝડપથી કામગીરી પૂર્ણ થાય અને એનઓસી મળે તે માટે સચિવને જીતુ વાઘાણીની તાકીદ
ભાવનગરનું યશવંતરાય નાટ્યગૃહમાં ફાયર સેફ્ટીની સુવિધાનું કામ સત્વરે પૂર્ણ થાય અને એનઓસી મળી જાય તે માટે આયોજકો કલાકારોએ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને રજૂઆત કરી હતી. ધારાસભ્યએ આ બાબતને ગંભીરતાથી લઈ વિભાગીય સચિવ સાથે તુરંત સંપર્ક કરી આ અંગે ઘટતું કરવા તાકીદ કરી હતી. આવતા અઠવાડિયામાં સંભવત વિભાગીય કાર્યવાહી પૂર્ણ થઈ જાય તેવી શક્યતા વ્યક્ત થઈ છે.