ભાવનગર ભીંજાયું અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ થયો ઓવરફ્લો, દશ્યો જોઈને આંખો ઠરશે

ભાવનગરઃ સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદના પગલે ભાવનગરનો શેત્રુંજી ડેમ સિઝનમાં પહેલીવાર છલકાયો છે. સૌરાષ્ટ્રનો આ સૌથી મોટો ડેમ છે અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન છે. વહેલી સવારે છ વાગ્યા આસપાસ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમના 20 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યાં છે. ત્યારે કાંઠા વિસ્તારમાં રહેતા આસપાસના લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારો સહિત 17 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. જિલ્લાનો જીવાદોરી સમાન ડેમ ભરાવાના પગલે ધરતીપુત્રો તથા શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.
જોકે બીજી બાજુ ઉપરવાસમાંથી આવી રહેલા અવિરત પ્રવાહને કારણે શેત્રુંજી ડેમ હેઠળના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માઈધાર, મેંઢા તથા ભાવનગર તાલુકાના ભેગાળી, દાંત્રડ,પીંગળી, ટીમાણા, શેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા તથા સરતાનપર સહિતના ગામના લોકોને સાવધાન રહેવા જણાવાયું છે.