ભાવનગર: નિમુબેન બાંભણીયાની સભામાં ક્ષત્રિય યુવાનોએ કર્યો હોબાળો કર્યો, રુપાલા વિરુદ્ધ લગાવ્યા નારા
ભાવનગરઃ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો અંગે કરેલા બફાટ બાદ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ મેદાને પડ્યો છે. ક્ષત્રિયોના ભારે વિરોધ છતાં પુરૂષોત્તમ રૂપાલાએ તેમની ઉમેદવારી રાજકોટમાંથી નોંધાવી છે, પરંતુ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ભાજપનો ખુલ્લો વિરોધ થયો હતો. ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણીયાની ચૂંટણી પ્રચાર સભામાં ક્ષત્રિય સમાજના યુવાનોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો.
ભાવનગરમાં ક્ષત્રિય સમાજના લોકોએ મનસુખ માંડવિયા અને અન્ય નેતાઓનો કાળા ઝંડા બતાવીને વિરોધ કર્યો હતો. જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા
ભાષણ આપી રહ્યા હતા. તે વખતે જ તળાજા ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ રવિરાજસિંહ ગોહિલે સ્ટેજ પર ચઢી ચાલુ સભામાં જ પોતાનું રાજીનામું આપ્યું હતુ. તેમણે કાળા કપડાં પહેરી 200 કાર્યકર્તાઓ સાથે રાજીનામું આપ્યું હતુ. ક્ષત્રિય સમાજના યુવકે સ્ટેજ પર ચઢી નારા જય રાજપૂતાનાના નારા લગાવ્યા હતા.
મનસુખ માંડવિયા ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણીયાના નોમિનેશન રેલી માટે ભાવનગર પહોંચ્યા હતા, તેઓ સભાને સંબોધી રહ્યા હતા તે દરમિયાન રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજના યુવાનોનું ટોળું ત્યાં પહોંચી ગયું હતું અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. ક્ષત્રિય યુવાનોના હોબાળો અને સૂત્રોચ્ચારના કારણે સ્થિતિ તંગ બની હતી. બાદમાં સ્થળ પર હાજર પોલીસે યુવકોની અટકાયત કરી હતી.
ભાવગનાર એ માંડવીયાનો ગઢ છે, મનસુખ માંડવિયા પોરબંદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. અગાઉ માંડવિયા પોતે ભાવનગરથી ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ AAPએ કોળી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા તેના કારણે માંડવિયાને પરબંદરથી ટિકિટ મળી હતી.
રાજકોટથી પુરૂષોત્તમ રૂપાલાની ટીકીટ કેન્સલ કરવાની માંગ કરી રહેલી ક્ષત્રિય સમાજ સંઘર્ષ સમિતિએ યુવાનોને શાંતિપૂર્વક વિરોધ કરવાની અપીલ કરી છે. સંકલન સમિતિના મુખ્ય પ્રવક્તા કરણસિંહ ચાવડાએ પુરૂષોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવ્યા બાદ મીડિયાને જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજના સ્ટેન્ડમાં કોઈ ફેરફાર થયો નથી.
કરણસિંહ ચાવડાએ વધુમાં જણાવ્યું કે જો રૂપાલાની ટીકીટ કેન્સલ નહીં થાય તો ક્ષત્રિય સમાજ સંગઠિત થઈને ભાજપ વિરુદ્ધ મતદાન કરશે. ચાવડાએ કહ્યું કે તેમને થોડી આશા બાકી છે. ચાવડાએ એમ પણ કહ્યું હતું કે, ભાજપ સમાજ કરતાં વ્યક્તિને વધુ મહત્વ આપે છે. આવી સ્થિતિમાં, હવે અમે આરપારની લડાઈ લડવા માટે મજબૂર છીએ.