આપણું ગુજરાત

ભાવનગરની એકમાત્ર હવાઈ સેવા ફરીથી હવામાં, પ્રવાસીઓને રઝળપાટ

ભાવનગરઃ ભાવનગરથી મુંબઇ અને પુણેની (Bhavnagar air services) એક માત્ર હવાઇ સેવા ગત દિવસોમાં તા.2થી 9 જુન સુધી બંધ રાખવા જાહેરાત કરાઈ હતી પરંતુ 10મીથી વિમાની સેવાનો પુનઃ પ્રારંભ થવાના બદલે વેકેશન લંબાયું છે અને હવે 14મી સુધી ફલાઇટ કેન્સલ રહેવાની જાહેરાત કરાઈ છે. આમ, ભાવનગરની હવાઈ સેવા ફરી ફરીથી હવામાં લટકતી થઈ ગઈ છે. આ કારણે હવાઈ પ્રવાસીઓને રઝળપાટ વધી પડ્યો છે, ફલાઇટ પકડવા છેક અમદાવાદ સુધી લાંબા થવું પડે છે.

ભાવનગરમાં દૈનિક ધોરણે વ્યવસ્થિત રીતે ફ્લાઇટ ચાલે તો પૂરતા પ્રમાણમાં પ્રવાસીઓ મળી રહે છે છતાં કથિત રીતે વ્હાલા દવલાની નીતિ અપનાવી ભાવનગરને હમેંશા અન્યાય થઈ રહ્યો છે જે પુરવાર થઈ રહ્યું છે. અમને મળેલી માહિતી અનુસાર હવાઈ સેવા 16 જૂનથી મળે તેવી શક્યતા છે.


જાણકારી મુજબ ભાવનગરથી મુંબઇ અને પુણેની હવાઇ સેવામાં સરેરાશથી વધુ મુસાફરો નિયમીત રીતે મુસાફરી કરે છે, અને ઓપરેટરને સારો ટ્રાફિક પણ મળી રહે છે. ત્યારે નવી ફ્લાઇટના રૂટ ભાવનગર માટે ઉપલબ્ધ કરાવવા માટે પ્રયાસ કરવા તો દૂર જે છે તે રૂટ છે તે સચવાય તોય ઘણું, તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.

મળતી વિગતો મુજબ આગામી 16 જુન સુધી તકનીકી કારણોસર ભાવનગર -પુણે-મુંબઈની આ એક માત્ર હવાઇ સેવા બંધ રાખવા જાહેરાત થઈ છે. ભાવનગરથી મુંબઇની હવાઇ સેવા અગાઉના વર્ષોમાં પણ હંગામી ધોરણે તકનીકી બહાના તળે બંધ કરી ધીમે-ધીમે પાટીયા પાડી દીધા હતા, અને પુન: હવાઇ સેવા ભાવનગરથી શરૂ કરાવવા માટે તમામ સ્તરેથી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને માંડ-માંડ ભાવનગરને હવાઇ સેવા પુન: પ્રાપ્ત થઇ હતી તે વાત ભૂલવા જેવી નથી.

આ મામલે ભાવનગર એરપોર્ટ ઓથોરિટીના (Bhavnagar airport authority) ટ્વીટર પર 9થી 14 જૂન સુધી ફ્લાઈટ ન હોવાનું કહેવાયું છે, પરંતુ વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર લગભગ 16 જૂન સુધી આ સેવા ફરી શરૂ થવાની શક્યતા નથી. આ અંગે ભાવનગર એરપોર્ટ ઓથોરીટીના અધિકારી પ્રશાંત નિખારે મુંબઈ સમાચાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમને હાલમાં 14 જૂન સુધી ફ્લાઈટ ન હોવાની જાણકારી મળી છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે અમે અન્ય એર ક્રાફ્ટ કંપની સાથે સેવા આપવા મામલે વાતચીત કરી રહ્યા છીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button