આપણું ગુજરાત

ભરૂચનો પોંક માવઠાથી પાયમાલ: વેપારીઓ સિઝન ફેલ જતા ચિંતામાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે પૂરની સ્થિતિએ ખેડૂતોને પાયમાલ કર્યા બાદ પોંકનું ઉત્પાદન કરતા ખેડૂતોને હવે કમોસમી વરસાદે ફરી પાકને નષ્ટ કરતા પોંકના વેપારીઓને નુકસાની વેઠવા સાથે મંદીનો માહોલ સર્જાતા સિઝન ફેલ જવાનો ભય ઊભો થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં ખેડૂત પગભર થાય તે પહેલા જ તેની પરસેવાની મહેનતથી તૈયાર કરેલી ખેતી ઉપર પૂરનું પાણી અથવા તો કમોસમી વરસાદનું ગ્રહણ લગતા પાકને નષ્ટ કરી દેતું હોય છે.નર્મદા નદીમાં પૂરની સ્થિતિ બાદ કેટલાય ખેડૂતોએ પોતાના ખેતરોમાં પુન: ખેતી શરૂ કરવાના પ્રયાસ કર્યા હતા.ત્યાં જ ભરશિયાળે કમોસમી વરસાદે ખેડૂતોની ખેતી ઉપર પાણી ફેરવી દીધું છે.

કમોસમી વરસાદના કારણે ભરૂચ જિલ્લામાં શહેરીજનો ત્રણ સીઝનનો અનુભવ કરી રહ્યા છે.જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટી જતાં પોંકની ખરીદી ઉપર મંદીનો માહોલ જામ્યો છે. શિયાળાની સીઝનમાં પોંકની સીઝન ફેલ જવાના ભય વચ્ચે હાલ પોંકનો ભાવ કિલોએ ૬૦૦ રૂપિયા ચાલી રહ્યો છે. છતાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે વેપારીઓથી માંડી ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે.

ભરૂચ જિલ્લાના પોંક પ્રચલિત છે જેના કારણે સુરતથી વડોદરા સુધીના નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર ઠેર ઠેર પોંકના સ્ટોલ લાગ્યા છે અને અંકલેશ્ર્વરથી ભરૂચ તરફના નેશનલ હાઈવે નંબર ૮ ઉપર પણ ઠેર ઠેર પોંકના સ્ટોલ લાગી ચૂક્યા છે. અંકલેશ્ર્વરમાં સૌથી વધારે પોંકનું ઉત્પાદન થતું હોય છે, પરંતુ નર્મદા નદીમાં આવેલ પૂરનું સંકટ સૌથી વધુ અંકલેશ્ર્વર તરફ રહ્યું હતું અને ખેડૂતોના ખેતરો પૂરના કારણે નદીમાં ફેરવાઈ ગયા હતા. પોંકના સ્ટોલ લાગ્યા પરંતુ ખરીદીનો કોઈ માહોલ જણાતો નથી અને તેનું કારણ છે વાતાવરણ.

શિયાળો અને સૌથી વધુ ઠંડીમાં પોંક આરોગવાથી સ્વાસ્થ્ય સારું રહેતું હોવાની માન્યતાઓ રહી છે, પરંતુ વરસાદ વચ્ચે ત્રણ સીઝનનો અનુભવ થતા પોંકની ખરીદી ઉપર મંદીનું ગ્રહણ લાગી ગયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button