ભરૂચ બેઠક પર ત્રિપાંખિયો જંગ, છોટુભાઈએ પુત્ર દિલીપ વસાવાને બનાવ્યા BAPના ઉમેદવાર
ભરૂચ: ભરૂચની લોકસભા બેઠક પર હવે ત્રિપાંખિયો જંગ ખેલાશે તેવું સ્પષ્ટ થઈ ગયું છે. એક તરફ ભાજપના છ ટર્મથી ચૂંટાઈ આવતા મજબૂત નેતા મનસુખ વસાવાને સાતમી વખત ટિકિટ આપી જીતની આશા સેવી રહ્યા છે. જ્યારે બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના યુવા નેતા અને ડેડીયાપાડાના ધરાસભ્ય ચૈતર વસાવા મેદાનમાં ઉતરી લોકો સંપર્ક કરી પોતાની પકડ મજબૂત બનાવી રહ્યા છે. ત્યારે હવે ભારત આદિવાસી પાર્ટી (BAP)ના રાષ્ટ્રીય કન્વીનર છોટુભાઈ વસાવાએ તેમના નાના પુત્રને મેદાનમાં ઉતાર્યા છે. આજરોજ છોટુભાઈ વસાવાએ ભરૂચ લોકસભાની બેઠક પર તેનના પુત્ર દિલીપ વસાવાના નામની જાહેરાત કરતા જ રાજકીય માહોલ ગરમાયો છે.
છોટુ વસાવા પોતે 2019ની ચૂંટણી લડ્યા હતા, આ વખતે તેમણે તેમના નાના પુત્રને મેદાનમાં ઉતાર્યા છે. છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા. ભારત આદિવાસી પાર્ટી (BAP) ના રાષ્ટ્રીય કન્વીનર છોટુ વસાવાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે દિલીપભાઈ વસાવા 7 મે 2024 ના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભરૂચમાંથી ઉમેદવાર હશે. વસાવાએ લખ્યું કે ભારત આદિવાસી પાર્ટીએ સર્વસંમતિથી તેમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.
ઉલ્લેખનિય છે કે છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા BTP પાર્ટીના અધ્યક્ષ હતા. જેઓ એક ટર્મ ડેડિયાપાડાના ધારાસભ્ય રહ્યા હતા. ત્યારબાદ તેઓએ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પિતાને ટિકિટ ન આપી ઝઘડિયા બેઠક પરથી પોતાની ઉમેદવારી નોધાવી હતી, પરંતુ પિતાએ અપક્ષમાંથી દાવેદારી કરતા મહેશ વસાવાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. મહેશ વસાવાએ થોડા દિવસો પહેલાં જ ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે.
BAP પાર્ટીએ ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને છત્તીસગઢની સાથે મધ્યપ્રદેશમાં પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ગુજરાતની ભરૂચ બેઠક આદિવાસી પ્રભુત્વવાળી છે. આ બેઠક છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી ભાજપ પાસે છે. પાર્ટીના નેતા મનસુખ વસાવા છ વખત જીત્યા છે. પાર્ટીએ તેમને સાતમી વખત મેદાનમાં ઉતાર્યા છે. AAP આ સીટ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને લડી રહી છે.
ભારત આદિવાસી પાર્ટી (BAP)એ ગુજરાતની આદિવાસીઓની બહુમતી ધરાવતી બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં ચાર બેઠકો આદિવાસી સમુદાયો માટે અનામત છે. 2023માં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાને ત્રણ બેઠકો જીતી હતી અને મધ્યપ્રદેશે વિધાનસભા ચૂંટણીમાં એક બેઠક જીતી હતી. ભારતીય આદિવાસી પાર્ટીની સ્થાપના 10 સપ્ટેમ્બર, 2023ના રોજ કરવામાં આવી હતી. પાર્ટીના સ્થાપક રાજકુમાર રોત છે. તાજેતરમાં પાર્ટીએ છોટુ વસાવાને રાષ્ટ્રીય કન્વીનર તરીકે નિયુક્ત કર્યા હતા.