જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે વડા પ્રધાને 9,700 કરોડના પ્રોજેક્ટ્સ આપ્યા ગુજરાતને…

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન બિરસા મુંદડાની 150મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત આવ્યા હતા અને અહીં તેમણે કુલ રૂ. 9,700 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ ગુજરાતીઓને આપી હતી, જેમાંથી અમુક પ્રોજેક્ટ્સના ઉદ્ધાટન તો અમુક પ્રોજેક્ટ્સના શિલાન્યાસ કરવામાં આવ્યા હતા.
વડા પ્રધાને શનિવારે આદિવાસી વિસ્તારોનો પ્રવાસ કર્યો હતો અને ડેડિયાપાડા ખાતે એક જાહેરસભાને સંબોધી હતી. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ગત 31 ઓક્ટોબરે સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી અને ભારત પર્વની શરૂઆત બાદ આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના ભવ્ય આયોજન સાથે ‘ભારત પર્વ’ની પૂર્ણતા થઈ છે.

તેમણે આદિવાસીઓએ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા યોગદાનના યાદ કરતા જણાવ્યું હતું કે દેશના સન્માન અને સ્વરાજની વાત જ્યારે આવી છે, ત્યારે આદિવાસી સમુદાય સૌથી આગળ આવી ઊભો છે. તેમનું યોગદાન હંમેશાં યાદ કરવું જ રહ્યું. તેમણે કૉંગ્રેસની ટીકા કરતા જણાવ્યું હતું કે દેશમાં છ દાયકા સુધી રાજ કરનારી કોંગ્રેસે આદિવાસીઓને તેમના હાલ પર છોડી દીધા હતા, પરંતુ આદિવાસી કલ્યાણ ભાજપની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે.
2014 પહેલા ભગવાન બિરસા મુંડાને કોઈ યાદ કરનારું નહોતું. માત્ર તેમના અગલ-બગલના ગામ સુધી જ તેમને પૂજવામાં આવતા હતા. આજે દેશભરમાં અનેક ટ્રાઇબલ મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યા છે. વડા પ્રધાનની મુલાકાત દરમિયાન જનજાતીય કલ્યાણ માટે વિશેષ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ થયા હતા, જેમાં આરોગ્ય, માર્ગ અને પરિવહન સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન મોદી સુરતથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પહોંચી ગયા છે. અહીં પહોંચતા પહેલા તેમણે સાગબારામાં પૌરાણિક દેવમોગરા મંદિરમાં માતાની પૂજા કરી હતી અને ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમની મુલાકાત દરમિયાન તેમણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા પણ કરી હતી.



