નાના ભૂલકાઓનું ધ્યાન રાખો: એક વર્ષના બે બાળક ભળતા પદાર્થો ગળી જતાં ઓપરેશન
(અમારા પ્રતિનિદિ તરફથી)
અમદાવાદ: સિવિલ હૉસ્પિટલમાં માતા- પિતા માટે ચેતવણી સમાન કિસ્સા સામે આવ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં સિવિલ હૉસ્પિટલમાં બે બાળકોની શ્ર્વાસનળીમાંથી ફોરેન બોડી દૂર કરવા ઓપરેશન કરી બાળકોને બચાવી લેવાયા છે. આવા કિસ્સામાંથી સબક શીખીને નાના ભૂલકાઓ પર સતત નજર રાખવી જોઇએ નહીં તો નજર હટી, દુર્ઘટના ઘટીનો ભોગ બનતા વાર નથી લાગતી અને માસૂમો ખોટી રીતે પીડાય છે.
પ્રાપ્ત વિગતો મુજબ આ બે દર્દીઓમાં અમદાવાદના કુબેરનગરની એક વર્ષની નિત્યા રજકના જમણા ફેફસામાંથી એલઇડી બલ્બ દૂર કરાયો છે. તે જ રીતે દસ મહિનાના યુવરાજ ઠાકોરના જમણા ફેફસામાંથી ગવાર સિંગનો ટુકડો ફસાઈ જતા ઈમરજન્સીમાં બ્રોન્કોસ્કોપી કરી એને કાઢીને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો. નિત્યા રજતને માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજાઓ થતાં સારવાર અર્થે સિવિલ હૉસ્પિટલના ન્યુરોસર્જરી વિભાગમાં દાખલ કરી ઇન્વેસ્ટિગેશન કરાતાં તેના છાતીના ભાગનો એક્સરે કરવામાં આવતા જમણા ફેફસાંમાં કંઈક બાહ્ય પદાર્થ ફસાયેલું હોવાનું માલુમ પડયું. તેના માતા-પિતાને એ ખબર જ નહોતી કે તેમની બાળકીના ફેફસાની અંદર બલ્બ ફસાયો છે એ ક્યાંથી આવ્યો અને કેવી રીતે એ ગળી ગઈ. તબીબોનું એવું માનવું છે કે જ્યારે એલઇડી બલ્બ એના મોઢામાં હશે એ સમયે ઓપરાઈ જવાથી એ એલઇડી બલ્બ એની શ્ર્વાસનળીમાં થઈ અને જમણા ફેફસાંની શ્ર્વાસનળીમાં ફસાયું હોઈ શકે. બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ આ બલ્બ દૂર કર્યો હતો. જ્યારે બીજા કિસ્સામાં માત્ર દસ માસના યુવરાજ ઠાકોરને ચાર ઓક્ટોબરની રાત્રે પેટમાં એકાએક દુ:ખાવો થતાં તેને વિરમગામથી અમદાવાદ સિવિલ હૉસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમા લાવવામાં આવ્યો. હૉસ્પિટલમાં આ બાળક આવ્યો ત્યારે એની શ્ર્વાસોચ્છ્વાસની તકલીફ ખૂબ વધી ગઇ હતી. સીટી સ્કેન અને એક્સ રે કરતાં ખબર પડી કે જમણું ફેફસું ખૂબ ફૂલી ગયું હતું. સીટી સ્કેનમાં માલુમ પડ્યું કે જમણા ફેફસાંની અંદર કંઈક ફોરેન બોડી છે. તાત્કાલિક અસરથી આ બાળકની બ્રોન્કોસ્કોપી કરવામાં આવી અને ફોરેન બોડી કાઢવામાં આવ્યું ત્યારે એ લીલા કલરની ફોરેન બોડી ગવાર સિંગનો ટુકડો હોવાનું માલૂમ પડ્યું હતું.