‘Vaibrant’ નામ કઈ રીતે પડ્યું? મુખ્ય પ્રધાને કેટલા ફોનકોલ્સ કર્યા હતાઃ જાણો પહેલી સમિટની આ અજાણી વાતો

ગાંધીનગરઃ આવતીકાલથી દસમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટની દસમી આવૃત્તિની શરૂઆત થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગ્લોબલ ટ્રેડ શૉનું ઉદ્ઘાટન કરશે અને ત્રણ દિવસ ગુજરાતમાં દેશ-વિદેશના આલા દરજ્જાના ઉદ્યોગપતિઓ સહિતના મહાનુભાવો આવશે. આજે ખૂબ જ ભવ્ય લાગતું આ આયોજન તત્કાલીન મુખ્ય પ્રધાન અને આજના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું અને આખી સંકલ્પના તેમની હતી ત્યારે તે સમયના એક અધિકારીએ પહેલી સમિટ વિશેની અમુક વાતો શેર કરી છે તે ખૂબ જ સરપ્રદ છે.
પહેલા વાત કરીએ વાઈબ્રન્ટ ગુજરાત એવું નામ કેમ આપવામાં આવ્યું તો આનો શ્રેય નરેન્દ્રભાઈને જ જાય છે. આમ તો વાઈબ્રન્ટનો અર્થ થાય ખુલતા રંગો. આને વળી બિઝનેસ મિટિંગ્સ સાથે શું લેવાદેવા. હકીકતમાં થયું એમ કે અગાઉ આવી બેઠકોને ઈન્વેસ્ટર મિટ કે રોડ શો કે એવા નામ આપવામાં આવતા. નરેન્દ્રભાઈ કોઈક નવા નામની શોધમાં હતા. તે સમયે તેમણે ટૂરિઝમ ખાતાનો રંગબેરંગી લોગો જોયો ને તેમને ખૂબ ગમ્યો. મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત નામ આપવાનું નક્કી કર્યું. અમુક અધિકારીઓએ કહ્યું કે પણ આમાંથી ઈન્વેસ્ટમેન્ટ શબ્દ ગાયબ થઈ રહ્યો છે ત્યારે નરેન્દ્રભાઈએ કહ્યું કે કંઈ વાધો નહીં પણ આ નામ આત્મવિશ્વાસથી ભરપૂર લાગે છે. બસ ને નામ પડ્યું વાઈબ્રન્ટ ગુજરાત જે આજે ગુજરાતના વિકાસનું જાણે પર્યાય બની ગયું હોય તેમ લાગે છે.
જોકે આ આયોજન સહેલું ન હતું. નરેન્દ્રભાઈએ જ્યારે પહેલીવાર આ સમિટ વિશે વિચાર્યું ત્યારે તેમણે લગભગ 500 જેટલા ઉદ્યોગપતિને જાતે ફોન કર્યાનું અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સામેના લોકોને નવાઈ સાથે આનંદ પણ થતો કે મુખ્ય પ્રધાન પોતે તેમની સાથે વાત કરી રહ્યા છે. અમુક લોકો બારે ઉત્સાહ બતાવતા તો અમુકને થોડો ખચકાટ પણ હતો, પરંતુ આજે ભારતના જ નહીં વિદેશના લોકો પણ આ સમિટમાં ભાગ લેવા આતુર હોય છે. જ્યારે 2005માં બીજી આવૃત્તિ યોજાઈ ત્યારે નરેન્દ્રભાઈ લગભગ અડધી રાત્રે સાયન્સ સિટી પહોંચ્યા હતા. ત્યાં તેમણે જોયું તો આખી વાઈબ્રન્ટ ટીમ કામ કરી રહી હતી અને અમુક આઈએએસ અધિકારીઓ પણ કામ કરી રહ્યા હતા.
વાઈબ્રન્ટની ટીકા પણ ઘણી થાય છે, પરંતુ એ વાત તો નક્કી છે કે આ સમિટે દેશ અને વિદેશમાં ગુજરાતને રોકાણની દૃષ્ટિએ સૌની નજરમાં લાવી દીધું છે અને આર્થિક બળ આપ્યું છે.