વડા પ્રધાનના આગમન પૂર્વે ભાજપ શહેર પ્રમુખ અને ધારાસભ્ય શાબ્દિક બાખડ્યા
રાજકોટ: રાજકોટ શહેર ભાજપના મેયર બંગલે મળેલી મિટિંગમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ) જેના માટે કોલર ઊંચો રાખી શકે તેવી શિસ્તની બાબતના લીરા ઉડ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તે સંદર્ભે સંગઠનની એક મીટિંગ રાજકોટ મેયરના બંગલે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી ના માર્ગદર્શન નીચે મળી હતી.
ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશી
શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો સામાજિક કાર્યકરો વોર્ડના પ્રમુખો તથા અન્ય કાર્યકરોની હાજરીમાં શહેર પ્રમુખ મુકેશ દોશી એ પશ્ચિમ વિભાગના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહને ટકોર કરતા જણાવ્યું હતું કે તમે કોઈ કાર્યમાં કેમ હાજર રહેતા નથી અને આ મુદ્દે શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય દર્શિતા શાહ આમને સામને આવી ગયા હતા અને તું તું મેં મેં થઈ હતી.
ધારાસભ્ય દર્શિતા શાહ
શિસ્ત માટે પંકાયેલી ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા સમયથી આંતરિક વિખવાદને કારણે ચર્ચામાં આવી છે. કોંગ્રેસ કલ્ચર એકબીજાના પગ ખેંચી અને નીચે પછાડવામાં પારંગત છે તેવું કલ્ચર ભારતીય જનતા પક્ષમાં પણ શરૂ થઈ ગયું છે. આગેવાનોએ વચ્ચે પડી અને ત્યારે તો બાજી સંભાળી લીધી પરંતુ આ ઘટનાની ઉચ્ચ કક્ષાએ નોંધ લેવાઈ રહી છે અને આવનારા દિવસોમાં કોઈ નક્કર પગલાં પણ લેવાય તો નવાઈ નહીં થાય. હાલ તો ઠપકો આપી અને પ્રસંગ સાચવી લેવા જેવું કાર્ય છે પરંતુ એક વાત નક્કી છે કે આવનારા સમયના અણસાર સારા નથી.