રાહુલ ગાંધીના ગુજરાત આવતા પહેલા ભાજપ લાવશે રાજકીય સુનામી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કૉંગ્રેસને મોટા ફટકા પડી રહ્યા છે. ગુજરાત કૉંગ્રેસમાં ઉથલપાથલ શરૂ થઈ
ગઈ છે.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી પહેલા ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યાં છે. ગુજરાતમાં આ યાત્રાના આગમન પહેલા જ બીજેપી મોટો ખેલ રમવાની તૈયારી કરી રહી છે. ચર્ચા છે કે, રામ મંદિરના મુદ્દા પર નારાજ નેતાઓ ભાજપમાં સામેલ થઈ શકે છે.
ગુજરાતમાં ૧૫ મહિના પહેલા યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૧૮૨માંથી ૧૫૬ સીટ જીતીને કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીનો રેકોર્ડ ધ્વસ્ત કર્યો હતો. આ ચૂંટણીમાં કૉંગ્રેસ માત્ર ૧૭ સીટ પર સમેટાઈ ગઈ હતી.
કૉંગ્રેસ હજી આ સદમાથી બહાર આવી નથી, ત્યાં નવા વર્ષની શરૂઆતમાં જ કૉંગ્રેસના બે ધારાસભ્યો ચિરાગ પટેલ અને સી.જે ચાવડાએ પાર્ટી છોડીને ઝટકો આપ્યો હતો.
રાજ્યની વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને હવે માત્ર ૧૫ રહી છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો વાયદો પૂરો કર્યા બાદ હવે ભાજપ ચૂંટણી મોડમાં આવી ગયું છે. પાર્ટીએ ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત પહેલા જ કાર્યાલયો ખોલી દીધા છે. આ વચ્ચે ચર્ચા છે કે, રાહુલ ગાંધીના ગુજરાત યાત્રા પહેલા કૉંગ્રેસના અનેક ધારાસભ્યો અને નેતાઓ પાર્ટી છોડી શકે છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અને રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ ભાજપ કૉંગ્રેસના નારાજ નેતાઓને લઈને ખાસ રણનીતિ બનાવી રહી છે.
પાર્ટીના બીજા દળથી આવનારા નેતાઓની પાર્ટીની સદસ્યા ગ્રહણ કરાવવા પ્રદેશ કાર્યાલયમાં એક ટીમ બનાવાઈ છે. બે વાર ૧૦૦૦-૧૦૦૦ નેતાઓ અને કાર્યકર્તાઓએ કેસરિયો કરી લીધો છે. ચર્ચા છે કે, ભાજપ રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા પહેલા રાજકીય ભૂકંપની તૈયારી કરી રહ્યું છે.
બીજી બાજુ રાજકીય સૂત્રો કહી રહ્યાં છે કે, ભાજપે વિપક્ષના નેતાઓને પાર્ટીમાં લાવવાનો તખતો ગોઠવી
દીધો છે.
ફેબ્રુઆરીના પહેલા સપ્તાહથી કૉંગ્રેસના અનેક નેતાઓ, ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈને કેસરિયો કરી શકે છે. હવે જ્યારે રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાંથી પસાર થવાની છે ત્યારે ભાજપ તેમની યાત્રા પહેલા જ કૉંગ્રેસ પર કાતર ચલાવશે.