ઓ…. ય…. માં…. આમાં ડોકટર બનવું કેમ ? મેડિકલમાં કમરતોડ ફી વિધાર્થી મુદ્દે શક્તિસિંહે સસડાવ્યો મુખ્યમંત્રીને પત્ર

ગુજરાત રાજ્યમાં ગુજરાત મેડીકલ એજ્યુકેશન રીસર્ચ સોસાયટી (GMERS)ની રચના 14 વર્ષ પહેલાં કરવામાં આવી હતી અને તે સમયે રાજ્ય સરકારે સતત એવી જાહેરાત કરી હતી કે, ‘ઓછી ફીમાં ડોક્ટરો તૈયાર કરવામાં આવશે, જે ગુજરાતની આરોગ્ય સેવાને મદદરૂપ થશે.’ પરંતુ જે રીતે રાજ્ય સરકાર દ્વારા રાતોરાત GMERSની મેડીકલ કોલેજોમાં ઝીંકાયેલો જંગી ફી વધારો જે-તે સમયની રાજ્ય સરકારની જાહેરાતથી તદ્દન વિપરીત છે. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યુ હતું સાંસદ ગોહિલે ઉમેર્યું હતું કે , GMERS સોસાયટી તબીબી સ્નાતક અભ્યાસક્રમ વર્ષ 2024-25 માં કરવામાં આવેલ તોતીંગ ફી વધારો પરત ખેંચવા બાબત રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીને પત્ર લખી માંગ કરતા કહ્યું કે કે હાલ રાજ્યમાં 13 GMERS મેડીકલ કોલેજો છે. ગુજરાતમાં મોટા પાયે ડોક્ટરો, સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરો, પેરા મેડીકલ સ્ટાફ, નર્સીસ સહિતના મેડીકલ ક્ષેત્રે જોડાયેલા માનવબળની મોટાપાયે ઘટ છે ત્યારે ગુજરાતના મેડીકલ અભ્યાસ કરીને ડોક્ટર બનવાનું સપનું જોતાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને વર્ષ 2024-25 માટે સરકારી કોટામાં 67 ટકા અને મેનેજમેન્ટ કોટામાં 88 ટકા અને NRI કોટામાં 3000 ડોલરના અસહ્ય ફી વધારાને કારણે ડોક્ટર બનવું મુશ્કેલ બનશે.

સાંસદ ગોહિલે તેમના પત્રમાં ઉમેર્યું છે કે, એક સાથે મેડીકલની ફીમાં ૬૭67 થી 88% સુધીના વધારાને કારણે વાલી-વિદ્યાર્થીઓ મોટી આર્થિક ચિંતામાં મુકાઈ ગયા છે. સોસાયટીની કોલેજોમાં જે રીતે રાજ્ય સરકારે ફીનો તોતીંગ વધારો કર્યો છે તેના લીધે નીટના ઉંચા સ્કોરના આધારે જે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીને GMERSની કોલેજોમાં પ્રવેશની શક્યતા હતી તે તમામ વિદ્યાર્થી-વાલીઓ માટે કેવી રીતે નાણાંકીય આયોજન કરવું તે ગંભીર પ્રશ્ન બની ગયો છે. ગુજરાતના વાલીઓ કે જેઓ પોતાના સંતાનોને મેડીકલમાં ગુજરાત ખાતે અભ્યાસ કરાવવા માંગે છે તેઓની રજુઆત કોંગ્રેસ પક્ષને મળી હતી. મેડીકલમાં જંગી ફી વધારા અંગેની વાલીઓની ચિંતા વ્યાજબી છે. સરકારી મેડિકલ કોલેજની ફીને લઈ ગત વર્ષની માફક આ વખતે વાલીઓનો વિરોધ જ ન થાય તેવા બદઈરાદાપૂર્વક સરકારે પ્રવેશ પહેલા જ તોતિંગ ફી વધારો જાહેર કર્યો છે.
સરકારી ક્વોટાની બેઠકોમાં અત્યાર સુધીમાં વાર્ષિક રૂ.3.30 લાખ ફી લેવામાં આવતી હતી જેમાં 66.66 %ના વધારા સાથે રૂ.5.50 લાખ ફી કરાઈ છે. મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂ. 9 લાખથી વધારીને રૂ.17 લાખ કરવામાં આવી છે, જેમાં 88.88 %નો વધારો કરાયો છે. મહત્વની વાત એ છે કે, મેડિકલ કોલેજોની ફીમાં ગત વર્ષે તા.20 જુલાઈના રોજ જે ફી વધારા સાથે પરિપત્ર પ્રસિદ્ધ કરાયો હતો એમાં માત્ર તારીખ જ બદલવામાં આવી છે. બાકી કોઈ ફેરફાર કરાયો નથી.
એક તરફ દિવસેને દિવસે મેડિકલનું શિક્ષણ મોઘું થઈ રહ્યુ છે. ગરીબ અને સામાન્ય વર્ગના પરિવારના બાળક માટે ડોક્ટર બનવુ એક માત્ર સપનુ જ છે, ત્યારે હવે ફરી તોતિંગ ફી વધારો ઝીંકી સામાન્ય-મધ્યમ પરિવારના બાળકો માટે પણ તબીબી-શિક્ષણનો રસ્તો સાવ બંધ કરી દેવાયો છે. આગામી દિવસોમાં ફી વધારો પાછો નહિ ખેંચાય તો કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ. આંદોલન કરશે.
રાજ્યની ૧૩ GMERSની મેડીકલ કોલેજમાં કરવામાં આવેલો તોતીંગ ફી વધારો સત્વરે પાછો ખેંચવામાં આવે જેથી કરીને ગુજરાતના સામાન્ય-મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સ્વપ્ન સાકાર થઈ શકે અને રાજ્યમાં ડોક્ટરોની ઘટ કઈક અંશે ઓછી થાય તેવી માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે કરી છે.