ભાવિકો ધ્યાન રાખજોઃ અંબાજીના મંદિર આસપાસ ફરી વધી ગયા છે રીંછના આટાંફેરા
અંબાજીઃ ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં જ વરુનો ત્રાસ વર્તાયો છે અને લોકોના જીવ પડીકે બંધાયા છે. ગુજરાતમાં પણ દીપડા સહિતના પશુઓનો ભોગ માણસો અને પશુઓ બની રહ્યા છે, ત્યારે હવે રીંછ દેખાયાના અહેવાલો છે. આ રીંછ પણ જગપ્રસિદ્ધ મંદિર અંબાજીના ગબ્બર આસપાસ દેખાયા છે, જે જ્યાં રોજ ભક્તોની ભીડ જામે છે.
અહેવાલો અનુસાર ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી ગબ્બર પર ફરી રીંછ આંટાફેરા મારતા દેખાયા છે. થોડા જ દિવસો બાદ અહીં ભાદરવી મહાકુંભ શરૂ થઈ રહ્યો છે. ગબ્બર પર અને વિસ્તારની આજુબાજુ એક મહિનાની અંદર ત્રીજીવાર રીંછ દેખાયો છે. ત્યારે ગબ્બર આસપાસ આંટાફેરા કરતું રીંછ જોવા મળતા લાખો દર્શનાર્થીઓની સુરક્ષા સામે સવાલ ઉભો થયો છે.
બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવેલ માતાજીના ગબ્બર પાસે વધુ એકવાર સીડીઓ ઉતરવાના રસ્તા ઉપર રીંછ જોવા મળ્યું હતું. આ પહેલા અંબાજીના ગબ્બર ખાતે 14મી ઓગસ્ટના રોજ રાત્રિના સમયે રીંછ જોવા મળ્યું હતું. અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વતના 51 શક્તિપીઠ પરિક્રમા પથ પર 15મી ઓગસ્ટના રાત્રીના સમયે સતત બીજા દિવસે પણ રીંછ આવ્યું હતું. ઓગસ્ટમાં રાત્રિના સમયે અંબાજીના ગબ્બર ખાતે રીંછ આવતા સિક્યુરિટી ગાર્ડમાં ભયનો માહોલ ફેલાયો હતો.
આ પણ વાંચો :World Vulture Day: ગુજરાતમાં સફેદ ગીધની સંખ્યા 458, સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ
અંબાજીથી દાંતા થઇને પાલનપુર જવાના રસ્તા પર ગબ્બર નજીક બાલારામ-અંબાજી વન્યજીવ અભયારણ્ય આવેલુ છે. જેથી આ વિસ્તારમાં રીંછ સહિત અનેક જંગલી જાનવરો વસવાટ કરે છે. ગબ્બર ખાતે દિવસે માઈ ભક્તો મોટી સંખ્યામાં પરિક્રમા કરે છે. ગઈકાલે રાત્રે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડને રીંછ દેખાતા એક વીડિયો પણ બન્યો હતો