રણજી ટ્રોફીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન બરોડાએ મુંબઈને હરાવ્યું, સૌરાષ્ટ્રનો તમિલનાડુ સામે પરાજય
બરોડાઃ રણજી ટ્રોફીના પહેલા રાઉન્ડમાં બરોડાએ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. બરોડાએ 26 વર્ષ બાદ મુંબઈને હરાવ્યું છે. આ સાથે જ તમિલનાડુએ પણ સૌરાષ્ટ્રને હરાવ્યું હતું. બરોડાએ તેમની રણજી ટ્રોફી 2024-25 સીઝનની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈને 84 રને હરાવીને કરી હતી. ભાર્ગવ ભટ્ટ બરોડા માટે જીતનો હીરો હતો. તેણે બીજા દાવમાં 6 અને મેચમાં 10 વિકેટ ઝડપી હતી.
બરોડાએ મુંબઈને 262 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેનો પીછો કરતા મુંબઈએ ત્રીજા દિવસે પૃથ્વી શો અને હાર્દિક તમોરની વિકેટ ગુમાવીને 42 રન કરી લીધા હતા. ભાર્ગવ ભટ્ટે અજિંક્ય રહાણે અને આયુષ મ્હાત્રેની મહત્વની વિકેટ લઈને મુંબઈની કમર તોડી નાખી હતી. ભારતીય ટીમમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહેલો શ્રેયસ ઐય્યર અને સિદ્ધેશ લાડે મુંબઈની ઈનિંગ્સને સ્થિરતા આપવાનો પ્રયાસ કર્યો હતો. બંનેએ 41 રનની ભાગીદારી કરી હતી.
ભાર્ગવે શ્રેયસને 30 રન પર આઉટ કર્યો અને આ પછી મુંબઈએ ઝડપી વિકેટ ગુમાવી હતી. ભાર્ગવ ભટ્ટે ત્યાર પછી અનુભવી શમ્સ મુલાની અને શાર્દુલ ઠાકુરની વિકેટ લીધી હતી. લાડે 94 બોલમાં 59 રનની ઈનિંગ રમી અને ચોથા દિવસે મુંબઈને મેચમાં જાળવી રાખવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો : IND VS AUS: ભારત સામેની ટેસ્ટ સીરિઝ અગાઉ સ્ટીવ સ્મિથનો યૂ-ટર્નઃ હવે લીધો આ નિર્ણય…
જો કે, લાડને બીજા છેડેથી કોઈનો સાથ મળ્યો નહોતો કારણ કે તનુષ કોટિયન અને મોહિત અવસ્થી મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયા હતા. અંતે બરોડા માટે શાનદાર જીત નોંધાવી હતી.
આ ઉપરાંત, તમિલનાડુએ પણ સૌરાષ્ટ્રને એક ઇનિંગ અને 70 રને હરાવ્યું હતું. તમિલનાડુએ રણજી ટ્રોફી 2024-25 સીઝનમાં તેમના અભિયાનની શરૂઆત એલિટ ગ્રુપ ડીમાં સૌરાષ્ટ્ર સામે ઇનિંગ્સ અને 70 રને જીત સાથે કરી હતી.
અંબાલામાં જન્મેલા ડાબા હાથના ઝડપી બોલર ગુરજપનીત સિંહે છ વિકેટ ઝડપીને તમિલનાડુની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. કોઈમ્બતુર સ્ટેડિયમમાં રમાયેલી મેચના બીજા દાવમાં સૌરાષ્ટ્ર માત્ર 94 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
ગુરજપનીત સિંહે અનુભવી ચેતેશ્વર પૂજારા, શેલ્ડન જેક્સન, ચિરાગ જાની, અર્પિત વસાવડા અને પ્રેરક માંકડની વિકેટ ઝડપી હતી.