કુદરત સામે બાથ ભીડતા પહેલા વાંચી લેજોઃ સુરતના પિતા-પુત્રીએ નેપાળમાં આ રીતે જીવ ગુમાવ્યો…

બારડોલી: ઘણા લોકો કુદરતને ખુંદી વળવાની મજા માણતા હોય છે, પરંતુ ઘણીવાર આ જોખમી બની જાય છે. સુરતમાં આવી જ એક દુઃખદ ઘના ઘટી છે, જેમાં પિતા-પુત્રીને પ્રતિકૂળ હવામાન નડી ગયું અને નેપાળમાં ટ્રેકિંગ સમયે જીવ ખોવાનો વારો આવ્યો હતો. આજકાલ વિચિત્ર ઋતુચ્રકને લીધે હવામાનનો તાગ મેળવવો પણ મુશ્કેલ છે ત્યારે ખૂબ જ સતર્ક રહી આ પ્રકારની સાહસિક પ્રવૃત્તિઓ કરવાની જરૂર છે.
બારડોલીના કડોદના એક પિતા-પુત્રીની જોડી નેપાળના માનંગ જિલ્લાના અન્નપૂર્ણા પર્વત-3 પર ટ્રેકિંગ કરતી વખતે ગુમ થઈ હતી અને રવિવારે શોધખોળ બાદ બન્નેના મૃતદેહ મળતા પરિવાર શોકમાં સરી પડ્યો હતો. 10 દિવસમાં પાછા ફરવાની યોજના હોવા છતાં, બે અઠવાડિયાથી વધુ સમય સુધી તેમની સાથે કોઈ સંપર્ક થયો ન હોવાથી પરિવારે પરિવારે કડોદ આઉટપોસ્ટ પોલીસને આ બાબતની જાણ કરી હતી. તપાસ એજન્સીઓએ કરેલી શોધખોળ બાદ તેમના મૃતદેહ મળી આવ્યા હતા.
અહેવાલો અનુસાર જીગ્નેશ લલ્લુભાઈ પટેલ અને તેમની પુત્રી પ્રિયાંશી 14 ઓક્ટોબરના રોજ કડોદથી સુરત ગયા હતા. સુરતથી તેઓ 16 ઓક્ટોબરે ટ્રેન દ્વારા ગોરખપુર પહોંચ્યા હતા, 17 ઓક્ટોબરે સુનોલી સરહદ પાર કરી અને કાઠમંડુ પહોંચ્યા હતા. 18 ઓક્ટોબરે, તેઓ બસેર બસમાં મુસાફરી કરી અને પછી માનંગ ગયા. બે દિવસ હોટલમાં રહ્યા પછી, તેમણે 21 ઓક્ટોબરના રોજ સવારે 6 વાગ્યે અન્નપૂર્ણા પર્વત-3 પર ટ્રેકિંગ શરૂ કર્યું હતું, તેવી માહિતી મળી હતી.
ટ્રેકિંગ શરૂ કરતા પહેલા જીગ્નેશભાઈએ તેમની પત્ની જાગૃતિબેનને જાણ કરી હતી કે તેઓ 10 દિવસમાં પાછા ફરશે. તેઓ ૩૦ કે ૩૧ ઓક્ટોબરે પાછા ફરવાની અપેક્ષા હતી, પરંતુ ૨૬ ઓક્ટોબરથી ૨ નવેમ્બર દરમિયાન મનાંગ અને આસપાસના વિસ્તારોમાં ભારે હિમવર્ષાને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જેના કારણે તેઓ પાછા ફર્યા ન હતા અને સંપર્ક અશક્ય બન્યો હતો. પતિ અને પુત્રીનો સંપર્ક ન થઈ શકતા, પત્ની જાગૃતિબેને કડોદ આઉટપોસ્ટ પોલીસને આ બાબતની જાણ કરી હતી.
કડોદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને જિલ્લા કલેક્ટરને જાણ કરી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય અને નેપાળની તપાસ એજન્સીઓના સંપર્ક થયા અને બન્નેના મૃતદેહ મળ્યા હતા. હવે નેપાળ અને ભારતની એજન્સીઓ દ્વારા બંનેના મૃતદેહને પરત લાવવાની અને અન્ય જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેવી માહિતી સૂત્રો પાસેથી મળી હતી.



