આજે બાપ્પાની વિદાયઃ રાજકોટમાં વિસર્જન માટે છે આ વ્યવસ્થા
આજે દસ દિવસથી મહેમાન બનેલા ગણેશજી વિદાય લેશે ત્યારે રાજકોટ શહેરમાં વિસર્જન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગણેશ વિસર્જન અંગે જાહેર હિત અને સલામતિ વ્યવસ્થાના ઉદ્દેશથી મહાનગરપાલિકાએ 7 સ્થળે વિસર્જન માટે વ્યવસ્થા નક્કી કરી છે. આ સ્થળો પર જ ગણેશજીની મુર્તિનું વિસર્જન કરવા જાહેર જનતાને અનુરોધ કરવામા આવ્યો છે.
શહેરના સાત સ્થળોએ ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા સલામતિની દ્રષ્ટીએ 7 સ્થળોએ 5 ક્રેન, રેસ્ક્યુ બોટ, એમ્બ્યુલન્સ અને લાઇફ જેકેટ અને બોયા, સ્ટેશન ઓફિસર, લીડીંગ ફાયરમેન, ફાયરમેન સહિતનો 80 વ્યક્તિઓનો સ્ટાફ સવારે સાત વાગ્યાથી રાખવામા આવેલ છે.
દરેક સ્થળે બેરીકેડ લગાવી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા વિસર્જન કરવામા આવશે. લોકોને તેમના હાથે વિસર્જન કરવા દેવામા આવશે નહી. વિસર્જન સ્થળ પર મૂર્તિ પધરાવવાની થાય ત્યારે સ્થળ પર પહોંચ્યા બાદ ફાયર સ્ટાફને મૂર્તિ સોંપી દેવાની રહેશે. ઉપરોકત તમામ કામગીરી ચીફ ફાયર ઓફીસર સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે અને આ તમામ વ્યવસ્થામાં સહકાર આપવા શહેરીજનોને અપીલ છે.
વિસર્જનના સ્થળોની યાદી જોઈએ તો આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ-1, આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ-2, આજી ડેમ ઓવરફ્લો ચેક ડેમ, પાળ ગામ, જખરા પીરની દરગાહ પાસે, મવડી ગામથી આગળ, ન્યારાના પાટીયા પાસે ન્યારારોડ, ખાણમા જામનગર રોડ, બાલાજી વેફર્સની સામે વાગુદળ પાટીયા પછીના પુલ નીચે કાલાવડ રોડ, એચ.પી.ના પેટ્રોલ પમ્પ સામે, રવિવારી બજાર વાળુ ગ્રાઉન્ડ આજી ડેમ પાસે ભાવનગર રોડનો સમાવેશ થાય છે.