Bhuj માંથી પ્રતિબંધિત હાથીદાંતની બંગડી બનાવવાનો પર્દાફાશ, ચાર લોકોની અટકાયત
ભુજ : ભુજ(Bhuj) શહેરમાં આવેલા ડાડા બજારમાં ચોરી છુપી રીતે હાથીદાંતની બંગડીઓ વેચાણ કરવાનું કારસ્તાન એલસીબીની ટીમે ઝડપી પાડયું હતું. આ ઘટનામાં ચાર શખ્સોના નામ ખુલતા તેમની ધરપકડ કરવામાં આવી છે. મળી આવેલી 10 પૈકી સાત બંગડી હાથીદાંતની હોવાનું ખુલવા પામ્યું છે. આ મામલે વધુ તપાસ ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવી છે.
બંગડી છુપી રીતે બનાવી તેનુ વેચાણ
પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જીલ્લામાં ચોરી છુપીરીતે કે છળકપટથી વન્ય પ્રાણી જીવોના અવશેષોના વેપાર પર વોચ રાખવા સુચના આપવામાં આવી હતી દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે ભુજ મધ્યે બજાર ચોકી આગળ ડાંડા બજારમાં આવેલી એક બંગડીની દુકાનમાં હાથીદાંતની અમુક બંગડીયો ચોરી છુપી રીતે બનાવી તેનુ વેચાણ કરવામાં આવી રહ્યું છે.
સેમ્પલ ફોરેન્સિક લેબોરેટરી રાજકોટ મોકલવામાં આવ્યા
પોલીસ ટિમ સ્થળ પર જઈને તપાસ કરતા દુકાનના ટેબલના ખાનામાં નાની મોટી જાડી સાઈઝની હાથીદાંતની બંગડી નંગ ૧૦ મળી આવી હતી. ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ભુજના સોનીવાડ વિસ્તારમાં આવેલા મુનશી શેરીમાં રહેતા આસીમ અહમદ મણીયાર, અહમદ સુલેમાન મણીયાર, અલ્તાફ અહમદ મણીયાર, અઝરૂદીન નિઝામૂદીન મણીયારને લઇ જવાયા હતા. પોલીસના દરોડા દરમિયાન સ્થળ પર પશુ ચિકિત્સકને બોલાવી 10 બંગડીના સેમ્પલો લેવાયા હતા. આ સેમ્પલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી રાજકોટ મોકલવામાં આવ્યા હતા જેમાં 10 પૈકી સાત બંગડી હાથી દાંતની હોવાનું બહાર આવવા પામ્યું હતું.
આ પણ વાંચો ગજબ ! સ્મશાનમાં અગ્નિદાહ પૂર્વે જીવતો થયો મૃત જાહેર કરાયેલ વ્યક્તિ, જાણો સમગ્ર મામલો
હાથીદાંત ક્યાંથી આવ્યા તે એક પ્રશ્ન
આ અંગે એસપીએ જણાવ્યુ હતુ કે સાત બંગડી હાથીદાંતની છે જે ક્યાંથી આવી હતી. તે તપાસ ચાલી રહી છે તેમજ આગળની કાર્યવાહી માટે વન વિભાગને તપાસ સોંપવામાં આવશે આ બનાવમાં વાઈલ્ડ લાઈફ એક્ટ મુજબ કાર્યવાહી વન વિભાગ દ્વારા કરવામાં આવશે .હાલ આ સમગ્ર બનાવમાં પ્રતિબંધિત હાથીદાંત ક્યાંથી આવ્યા તે એક સવાલ છે. વર્ષોથી બજાર વિસ્તારમાં બેંગલ્સની દુકાન છે. ત્યારે હાલ આ ઘટનામાં હાથીદાંત ક્યાંથી આવ્યા તે એક પ્રશ્ન છે. આ બનાવમાં ઊંડાણપૂર્વક તપાસ થશે તો અનેકના પગ નીચે રેલો આવવાની શક્યતા છે.