ગુજરાતમાં ‘ઘૂસણખોરી’! અંકલેશ્વરમાં ગેરકાયદે રહેતી ત્રણ બાંગ્લાદેશી મહિલા પકડાઈ…

અંકલેશ્વરઃ સારંગપુર વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર વસવાટ કરતી ત્રણ બાંગ્લાદેશી મહિલાઓની અટકાયત કરી હતી. આ મહિલાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓએ અંકલેશ્વરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે સારંગપુર ગામના રાજપીપળા રોડ પર આવેલા લક્ષ્મણનગરમાં રોયલ બિલ્ડીંગમાં બાંગ્લાદેશી મહિલાઓ રહે છે.
આ માહિતીના આધારે તપાસ કરતા રોયલ બિલ્ડીંગના એ-બિલ્ડીંગના રૂમ નંબર 208માંથી ત્રણ બાંગ્લાદેશી મહિલાઓ મળી આવી હતી. તેમની પાસે ભારતમાં રહેવા માટે કોઈ માન્ય વિઝા ન હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે રૂકૈયા પુરકાન રશીદ શેખ (રહે. ઢાંકા, બાંગ્લાદેશ), પરવીન ઓહાલ અબ્દુલસતર શેખ (ઉં.વ. 35, રહે. જોસોર પોસ્ટ, બાંગ્લાદેશ) અને રૂના મહંમદ શેખ (રહે. નોરાઈલ, બાંગ્લાદેશ)ની અટકાયત કરી હતી.
પ્રાથમિક તપાસ મુજબ, આ મહિલાઓએ ઘૂસણખોરી દ્વારા ભારતમાં પ્રવેશ કર્યો હતો અને તેઓ અમદાવાદ થઈને અંકલેશ્વર પહોંચી હોવાની આશંકા છે. ક્રાઇમ બ્રાન્ચે આ મહિલાઓને જીઆઇડીસી પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.
થોડા મહિના પહેલા પાટણ એસઓજી શાખાએ ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતી ત્રણ બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસ અધિક્ષક વી.કે.નાયીના માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ્પેકટર જે.જી.સોલંકીની ટીમે આ કાર્યવાહી કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ ત્રણેય મહિલાઓ પાસે પાસપોર્ટ કે કાયદેસરના વિઝા નથી.
એક મહિલા જાન્યુઆરી 2024માં સુનાબેરી બોર્ડર થઈને ભારતમાં પ્રવેશી હતી. બીજી મહિલા પાંચ વર્ષ પહેલા બેનાફુલ બોર્ડર થઈને આવી હતી. તે અમદાવાદના વટવામાં રહેતી હતી અને છેલ્લા એક વર્ષથી સુરતમાં રહી રહી હતી. જ્યારે ત્રીજી મહિલા બેનાફુલ બોર્ડર થઈને ભારતમાં આવી હતી અને અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતી હતી. ત્રણેય મહિલાઓ હાવડા થઈને અમદાવાદ આવી હતી અને મજૂરી માટે પાટણ આવી હતી.