ગેનીબેન ઠાકોર ભાજપ અને પોલીસ તંત્ર પર આક્રમક, કહ્યું ‘ચૂંટણી સમયે જ પોલીસને કાર્યવાહી યાદ આવે?’

અમદાવાદ: આગામી લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય માહોલ બરાબરનો જામ્યો છે. તમામ રાજકીય પક્ષ પોતપોતાની રીતે ચૂંટણી પ્રચારમાં કૂદી પડ્યા છે અને મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજકોટ બેઠકને લઈને હાલ રાજકારણ ખુબજ ગરમ છે પરંતુ આ બધાની વચ્ચે બનાસકાંઠાની બેઠક પણ અહવાલોમાં ચમકતી આવી રહી છે.
બનાસકાંઠાની લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે બંનેએ મહિલા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે.ભાજપ તરફથી રેખાબેન ચૌધરી તો કોંગ્રેસ તરફથી ગેનીબેન ઠાકોર રણસંગ્રામે છે. હાલ જ ગેનીબેન ઠાકોરે ભાજપ અને પોલીસ તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા. ગેની બહેને ભાજપને આડે હાથ લેતા કહ્યું હતું કે ચૂંટણી સમયે જ પોલીસ કાર્યવાહી થાય છે અને ઠાકોર સમાજને દબાવે છે.
ગેની બહેને કહ્યું કે બે વર્ષ જૂના કેસમાં એક સપ્તાહ પહેલા જ પોલીસ કાર્યવાહી કરે છે. શું બે વર્ષ સુધી પોલીસને કાર્યવાહીનો સમય ન મળ્યો? ચૂંટણી સમયે જ પોલીસ ઠાકોર સમાજને દબાવે છે. આ સાથે સાથે ડેરીના પૈસાનો ઉપયોગ પણ ચૂંટણીમાં થતો હોય તેવો આક્ષેપ લગાવ્યો છે.
જાણો કોણ છે ગેનીબેન ઠાકોર?
ગેનીબેન ઠાકોર, આખું નામ ગેનીબેન નાગાજી ઠાકોર, કોંગ્રેસના મહિલા રાજકારણી છે જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠક પરથી ધારાસભ્ય છે. ગનીબેને 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે જીત મેળવી હતી. ગનીબેન 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વાવ બેઠક પરથી લડ્યા હતા અને 6655 મતોની સરસાઈથી જીત્યા હતા. અખબારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેની બેન અલ્પેશ ઠાકોરના નજીકના ગણાય છે.