આપણું ગુજરાત

બનાસ ડેરીની ₹400 થી ₹24,000 કરોડની યાત્રા: અમિત શાહે કહ્યું – ₹24 હજાર કરોડના ટર્નઓવરનો શ્રેય પશુપાલકોને

પાલનપુર: કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહના હસ્તે બનાસ ડેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું હતું. વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ડેરી ખાતે કેન્દ્રીય સહકાર મંત્રાલયના ડેલિગેશનની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

અમિત શાહે સણાદર ડેરી ખાતે બનાસ રેડિયો સ્ટેશન, પોટેટો પ્લાન્ટ તથા આઇસક્રીમ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તેમણે સંસદીય પરામર્શ સમિતિના સભ્યો અને બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે બેઠક યોજી હતી.

આપણ વાચો: બનાસ ડેરીના ચેરમેન પદે શંકર ચૌધરીની સતત ત્રીજી વખત બિનહરીફ વરણી, ભાવા રબારી બન્યા વાઇસ ચેરમેન

૪૦૦ રૂપિયાથી શરૂ થયેલી આજે ૪ હજાર કરોડનો વેપાર

આ કાર્યક્રમમાં ગૃહ અને સહકાર પ્રધાને જણાવ્યું હતું કે, બનાસ ડેરી દ્વારા અમલમાં મૂકાયેલ સહકાર મોડેલ આજે દેશ-વિદેશ માટે પ્રેરણારૂપ બન્યું છે. બનાસ ડેરીના આદ્યસ્થાપક ગલબાભાઈએ જોયેલું સ્વપ્ન બનાસના લોકોએ પૂર્ણ કર્યું છે.

સ્વર્ગીય ગલબાભાઈએ પશુપાલકોના હિતમાં વર્ષ ૧૯૮૬માં ફ્કત આઠ ગામની દૂધ મંડળીઓ થકી દૂધ મેળવવાની શરૂઆત કરી હતી તે સંસ્થા આજે ૨૪ હજાર કરોડના ટર્નઓવર સુધી પહોંચી છે. જે યાત્રા ફક્ત ૪૦૦ રૂપિયાથી શરૂ કરીને આજે ૨૪ હજાર કરોડના વેપાર સુધી પહોંચી છે તેનો શ્રેય અહીંના પશુપાલકોને જાય છે.

આપણ વાચો: બનાસ ડેરી પર શંકર ચૌધરીનો દબદબો, તમામ બેઠક પર કબજો

વધુમાં તેમણે જણાવ્યું કે, વર્ષો પહેલા બૃહદ બનાસકાંઠા જિલ્લો સૂકો ભઠ્ઠ વિસ્તાર ગણાતો હતો. આ જિલ્લામાં ફક્ત ચોમાસુ આધારિત એક જ ખેતી થતી હતી. સૂકા ગણાતા બનાસકાંઠા જિલ્લામાં સુજલામ સુફલામ્ અને નર્મદા કેનાલ આ વિસ્તારને આપ્યો છે અને આથી આજે અહીં વર્ષમાં ત્રણ ખેતી પાક થઈ શકે છે. બનાસકાંઠામાં જળ સંચયનું શ્રેષ્ઠ કામ થયું છે. બનાસની માતા-બહેનોની મહેનતથી આજે બનાસ મોડેલ વટવૃક્ષ બન્યું છે.

તેમણે જણાવ્યું હતું કે ડેરીને ચક્રીય વ્યવસ્થા બનાવાશે જેનો સીધો ફાયદો પશુપાલકોને મળી રહેશે તથા આગામી પાંચ વર્ષમાં પશુપાલકોની આવકમાં ૨૦ ટકાનો વધારો થશે. આગામી સમયમાં ડેરી પ્રોડક્ટ સાથે સાથે અનેક ક્ષેત્રમાં સહકારિતાની ભાગીદારી વધારવામાં આવશે.

આજે ગામડાનો ખેડૂત પોતાની પ્રોડક્ટ વિશ્વ સ્તરે વેચી શકે તે મુજબની વ્યવસ્થા ઉભી કરાઈ છે. આગામી જાન્યુઆરી ૨૦૨૬માં દેશની ૨૫૦ જેટલી ડેરીના ચેરમેન અને એમ.ડી બનાસ મોડલ વિકાસને નજીકથી જોવા માટે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લેશે તેમ જણાવ્યું હતું.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button