પાલનપુરમાં કોલેરાના નિયંત્રણ માટે ખાણીપીણી અને ઠંડાપીણાંના વેચાણ માટે પ્રતિબંધ
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપૂરમાં (Palanpur) કોલેરાએ (cholera) માઝા મૂકી છે. દિનપ્રતિદિન અહી ઝાડા ઉલટીના કેસ નોંધાઈ રહ્યા છે. શહેરનો કોટ વિસ્તાર હાલ કોલેરાનું કેન્દ્ર બની ચૂક્યું છે. અહી સતત વહી રહેલા કોલેરાના કેસોને લઈને આરોગ્ય વિભાગ પણ સતત દોડતું થઈ ગયું છે. હાલ અહી ડોર ટૂ ડોર સર્વે કરીને લોકોને જરૂરી દવાઓ અને સારવાર આપવામાં આવી રહી છે. અહી બહારથી આવતા પાણીના ટેન્કરના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ સેમ્પલ ફેલ થઈ જતાં હવે બહારના ટેન્કર પણ આરોગ્ય વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે.
પાલનપુરને કોલેરાએ પોતાની બાનમાં લઈને ભારે હાહાકાર મચાવી દીધો છે. અત્યાર સુધીમાં 300 લોકો કોલેરાનો ભોગ બન્યા છે. તો આજે એક દિવસમાં 19 કેસ નોંધાયા છે. શહેરના કોટ વિસ્તારમાં ઝાડા ઊલ્ટીના કેસોને લઈને આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ચૂક્યું છે. શહેરમાં ખાણીપીણી અને ઠંડાપીણાંના વેચાણ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ગાંધીનગરમાં કોલેરાનો હાહાકારઃ સરકારી તંત્ર હરકતમાં
હાલ તંત્ર દ્વારા આ વિસ્તારમાં ડોર ટૂ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે લોકોને ઝાડા ઊલટી સહિતની અસર જોવા મળી છે, તેમનેણ ક્લોરિન અને અન્ય જરૂરી દવાઓ આપવામાં આવી રહી છે. આ દરમિયાન બહારથી આવતા પાણીના ટેન્કરનું પણ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તે સેમ્પલ પણ ફેલ જતાં તંત્રએ બહરથી આવતા પાણીના ટેન્કર પણ હાલ બંધ કરાવી દીધા છે.
શહેરમાં ફાટી નીકળેલા પાણીજન્ય રોગોના બનાવ બાદ પાલિકા પણ હવે મેદાનમાં આવી છે. પાલિકાની ટીમો પણ પાણીની પાઇપલાઇનનું ચેકિંગ કરી રહી છે. સાથે જ સ્વચ્છતા માટે પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પાણીજન્ય રોગોનો ફેલાવો અટકાવવા માટે ખાણીપીણી અને ઠંડાપીણાંના સ્ટોલ પર હાલ બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. કોલેરાના વધી રહેલા કેસોને લઈને તંત્રએ ખૂબ જ સક્રિય થવાની જરૂર છે.