Gujarat ની ઔદ્યોગિક તાલિમ સંસ્થામાં 150 અભ્યાસક્રમો કાર્યરત, 25 ટ્રેડમાં 695 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો…

અમદાવાદઃ ગુજરાત(Gujarat)વિધાનસભાના અંતિમ દિવસે પ્રશ્નોત્તરી કાળની ચર્ચાઓમાં ઔદ્યોગિક તાલિમ સંસ્થાઓમાં ચાલી રહેલા અભ્યાસક્રમો અંગે સવાલ કરાયો હતો. ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા આ સવાલનો જવાબ આપતાં શ્રમ અને રોજગાર પ્રધાન બલવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે, ગુજરાતની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પહેલા માત્ર ચાર અભ્યાસક્રમો કાર્યરત હતા, જ્યારે અત્યારે 150 થી વધુ અભ્યાસક્રમો કાર્યરત કરવામાં આવ્યા છે.
નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા
વિધાનસભા ગૃહ ખાતે શ્રમ અને રોજગાર પ્રધાન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આધુનિક યુગની નવીન ટેક્નોલોજીને અનુરૂપ કૌશલ્યવાન માનવબળ તૈયાર કરવામાં ગુજરાતે વિશેષ પહેલ કરીને અન્ય રાજ્યોને પ્રેરણા આપી છે. આગામી 10 વર્ષની કૌશલ્ય માંગને પહોંચી વળવા રાજ્ય સરકારે દેશમાં સૌપ્રથમ અલાયદી “કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી “ની સ્થાપના કરીને અનેકવિધ નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે.
695 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો
તેમણે વધુમાં કહ્યું હતું કે, વિવિધ ક્ષેત્રની જરૂરિયાત મુજબ હજુ પણ નવા કૌશલ્ય અભ્યાસક્રમો શરૂ કરવા માટે ગુજરાત સરકાર તત્પર છે. પોરબંદર જિલ્લામાં કાર્યરત કુતિયાણા આઈટીઆઈ ખાતે 8 ટ્રેડ, પોરબંદર આઈટીઆઈ ખાતે 10 ટ્રેડ અને રાણાવાવ આઈટીઆઈ ખાતે 7 ટ્રેડ કાર્યરત છે.પોરબંદર જિલ્લાની આ ત્રણ આઈટીઆઈના કુલ ૨૫ ટ્રેડમાં ગત વર્ષ 2024 દરમિયાન 695 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : વાયબ્રન્ટ સમિટમાં ગુજરાત સરકારે કેટલા કરોડનો કર્યો ખર્ચ, જાણો સરકારી આંકડા?