અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા સહિતની આની માહિતીથી વાકેફ થતાં બલવંત સિંહ રાજપૂત
પાલનપુર કલેકટર કચેરી ખાતે ઉદ્યોગ, શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં આયોજન મંડળ હસ્તકની વિવિધ જોગવાઈઓ, માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ચાલુ કામો સહિત ભાદરવી પૂનમના મહામેળા અંતર્ગત કરવામાં આવનાર આયોજન અને વ્યવસ્થાની પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લાના પ્રભારી મંત્રીએ વિકાસ કામોનો પ્રગતિ અહેવાલ જોઈ લોકહિતના કામો ખુબ ઝડપથી થાય અને ગુણવત્તા યુક્ત થાય એની તકેદારી રાખવા અધિકારીઓ અને પદાધિકારીઓને તાકીદ કરી હતી. તેમજ જે લોકોને ઘરનું ઘર નથી, ઉપર આભ, નીચે જમીન એવી અવસ્થામાં જીવન ગુજારે છે એવા લોકોની ચિંતા કરતાં ગામતળ નિમ કરવા બાબતે અને નિરાધાર લોકોને રાહત / મફતગાળાના પ્લોટ ફાળવણી અંગે નક્કર આયોજન કરવા સૂચન કર્યું હતું. વધુમાં મંત્રીએ જિલ્લાની મુખ્ય સિંચાઈ પરિયોજનાઓ અને હાઇવે પ્રોજેકટના પ્રગતિ અહેવાલની સમીક્ષા કરી કામમાં ઝડપ લાવવા અનુરોધ કર્યો હતો.
આ પણ વાંચો : હર્ષ સંઘવીના હસ્તે સુરતના લાજપોર ખાતે કેદીઓ માટે સ્માર્ટ શાળાની શરૂઆત
બેઠકમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ,અંબાજીના વહીવટીદાર કૌશિક મોદી દ્વારા આગામી 12 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મહામેળા અંતર્ગત કરવામાં આવનાર સુવિધા અને આયોજન વ્યવસ્થા અંગે પ્રભારી મંત્રીને અવગત કરવામાં આવ્યા હતા.
જિલ્લા કલેકટર વરુણ કુમાર બરનવાલે બેઠક અંતર્ગત જિલ્લાના મુખ્ય અને મોટા રેલવે પ્રોજેકટ અંબાજી તારંગા હિલ અંગે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુતને માહિતી આપી ચાલી રહેલી કામગીરી બાબતે સમીક્ષા કરી હતી.
આ સમીક્ષા બેઠકમાં ધારાસભ્ય અનિકેત ઠાકર, કેશાજી ચૌહાણ, પ્રવીણ ભાઈ માળી, માવજીભાઈ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેકટર સી.પી પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.