આપના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર ગુરુવારે થશે સુનાવણી…

રાજપીપળા: નર્મદાના ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના નેતા વચ્ચે ઘર્ષણ થયા બાદ પોલીસે ધરપકડ કરી હતી. મળતી વિગત પ્રમાણે, ચૈતર વસાવાની જામીન અરજી પર 10 જુલાઈએ સુનાવણી થશે. ગઈકાલે ડેડીયાપાડા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાંથી કેસના કાગળો સમયસર જિલ્લા કોર્ટમાં પહોંચાડી શક્યા નહોતા. સાંજે ૫ વાગ્યાની ઓનલાઈન સમયમર્યાદા પૂરી થઈ જતાં જામીન અરજી દાખલ થઈ શકી નહોતી.
ઉલ્લેખનીય છે કે જિલ્લા કોર્ટમાં જામીન અરજી કરવાની કામગીરી ઓનલાઈન થાય છે. આ મુદ્દે ગઈકાલે સમયસર કાગળો નહીં પહોંચી શકવાને કારણે જામીન અરજી દાખલ નહોતી થઈ શકી. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ગત શનિવાર, જુલાઈ 5ના રોજ આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.ચૈતર વસાવા તેમના આક્રમક સ્વભાવના કારણે ઘણી વખત ચર્ચામાં આવે છે અને તેમના ઘણા વિવાદ પણ સામે આવી ચુક્યા છે.
પોલીસ સાથે ઘર્ષણ અને ફરજમાં રુકાવટ
ચૈતર વસાવા સામે પોલીસની ફરજમાં રુકાવટ અને અન્યનો જીવ જોખમમાં મૂકવાનો આરોપ કરતી ઘણી ફરિયાદો નોંધાઈ હતી. તેઓ અગાઉ પોલીસકર્મીઓનું અપમાન કરવા અને તેમની સાથે જાહેરમાં બોલાચાલી કરવા બદલ પણ ચર્ચામાં રહ્યા હતા.
ઔદ્યોગિક એકમમાં ગેરકાયદે પ્રવેશઃ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં બોઈલર બ્લાસ્ટ બાદ ચાર કામદારોના મોત થયા હતા. તે પછી ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે ઔદ્યોગિક એકમમાં અનધિકૃત રીતે પ્રવેશ કરવા, અધિકારીઓને તેમની ફરજ બજાવતા અટકાવવા અને કામદારોના સંબંધીઓને ઉશ્કેરવાના આરોપમાં બુક થયા હતા. આ કેસમાં તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.
વન અધિકારી પર હુમલો અને ખંડણી:
ચૈતર વસાવા પર વન અધિકારીને ધમકાવવા, હવામાં ગોળીબાર કરવા અને ખંડણી વસૂલવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં તેઓ લગભગ છ અઠવાડિયા જેલમાં રહ્યા હતા.
હોટેલ મેનેજર પર હુમલોઃ
સપ્ટેમ્બર 2024 માં ચૈતર વસાવા અને તેમના 20 જેટલા સમર્થકો સામે ડેડીયાપાડામાં હોટેલ મેનેજર પર હુમલો કરવા, તોફાન કરવા અને ફોજદારી ધમકી આપવાનો કેસ નોંધવામાં આવ્યો હતો, જ્યારે તેમને રેસ્ટોરન્ટના બિલ પતાવવા માટે કહેવામાં આવ્યું હતું.