આપણું ગુજરાત

ચૈતર વસાવા કેસ: કાગળો સમયસર ન પહોંચતા ધારાસભ્યને વધુ એક રાત જેલમાં વિતાવવી પડશે

રાજપીપળા: નર્મદાના ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતા વચ્ચે ઘર્ષણના મુદ્દે રાજપીપળા કોર્ટ દ્વારા પોલીસે માંગેલા 5 દિવસના રિમાન્ડને નામંજૂર કરવામાં આવ્યા હતા.

જોકે આજે ‘આપ’ના નેતા ચૈતર વસાવાની જામીન અરજી કોર્ટમાં દાખલ થઈ શકી નથી, કારણ કે દેડીયાપાડા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાંથી કેસના કાગળો સમયસર જિલ્લા કોર્ટમાં પહોંચાડી શક્યા નહોતા અને આથી સાંજે ૫ વાગ્યાની ઓનલાઈન સમયમર્યાદા પૂરી થઈ જતાં જામીન અરજી દાખલ થઈ શકી નહોતી.

આપણ વાંચો: ચૈતર વસાવા કેસ: રાજપીપળા કોર્ટ બહાર AAP-પોલીસ વચ્ચે ઘર્ષણ, ઇટાલિયાને રોક્યા…

પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે ડેડીયાપાડા કોર્ટના મેજિસ્ટ્રેટ રજા પર હોવાથી ચૈતર વસાવાના કેસ રાજપીપળા ખાતેની કોર્ટમાં ચાલવાનો હતો. જોકે, આ કારણે, કેસના કાગળો મેળવવા માટે વસાવાના વકીલોને ડેડીયાપાડા કોર્ટમાં જવું પડ્યું હતું.

જિલ્લા કોર્ટમાં જામીન અરજી કરવાની કામગીરી ઓનલાઈન થાય છે. આ મુદ્દે આજે સમયસર કાગળો નહીં પહોંચી શકવાને કારણે અને આ ટેક્નિકલ ખામી તથા સમયમર્યાદાના કારણે ચૈતર વસાવાને વધુ એક દિવસ જેલમાં રહેવું પડશે. આવતીકાલે એટલે મંગળવારે તેમની જામીન અરજી વિધિવત રીતે દાખલ કરવામાં આવશે તેવી અપેક્ષા છે.

આપણ વાંચો: ચૈતર વસાવાની ધરપકડથી રાજકારણ ગરમાયું, દેડીયાપાડામાં 144ની કલમ લાગુ

ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ગત શનિવારે (જુલાઈ 5) આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો.

આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button