દશેરાના દિવસે મા બહુચરનો અલૌકિક શણગાર: ૩૦૦ કરોડથી વધુ કિંમતનો ઐતિહાસિક ‘નવલખા હાર’ પહેરાવાયો…

બહુચરાજી: ગુજરાતના ચુંવાળ પંથકના સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી માતાના મંદિરમાં દશેરાના પાવન પર્વ નિમિત્તે એક અનોખી પરંપરાનું પાલન કરવામાં આવ્યું હતું. વડોદરાના રાજ પરિવાર દ્વારા માતાજીને વર્ષો પહેલાં ભેટમાં આપવામાં આવેલો ‘નવલખા હાર’ મા બહુચરના શણગારની શોભા બન્યો હતો. અંદાજે ૩૦૦ કરોડ રૂપિયાથી વધુ કિંમતનો આ અલૌકિક હાર વર્ષમાં માત્ર બે જ વખત – દશેરા અને નવા વર્ષના દિવસે – બહાર કાઢવામાં આવે છે.
ત્રણસો વર્ષ જૂની છે નવલખા હારની પરંપરા
ઇતિહાસ પર નજર કરીએ તો, આ નવલખા હારની પરંપરા લગભગ ત્રણસો વર્ષ જૂની છે. વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડ દ્વારા ૧૭૮૩માં આ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. માનાજીરાવ ગાયકવાડને જ્યારે કુષ્ઠ રોગમાંથી મુક્તિ મળી, ત્યારે તેમણે માતાજીને આ અનમોલ હાર ભેટ કર્યો હતો. તે સમયે તેની કિંમત નવ લાખ રૂપિયા હતી, તેથી જ તે ‘નવલખા હાર’ તરીકે ઓળખાયો.
હાલમાં, લીલા, વાદળી અને સફેદ નીલમથી જડેલો આ હાર દેખાવમાં ભલે સામાન્ય લાગે, પરંતુ નજીકથી જોતાં તે અદ્ભુત સૌંદર્ય ધરાવે છે. દરેક નીલમની કિંમત કરોડોમાં આંકવામાં આવી છે. સુરક્ષાના કારણોસર આ હાર આખું વર્ષ સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવે છે અને વિશેષ પર્વો પર જ બહાર કાઢવામાં આવે છે.
સુરક્ષા વચ્ચે નીકળી ભવ્ય પાલખી યાત્રા
દર વર્ષની જેમ આ વર્ષે પણ હાર પહેરાવ્યા બાદ કડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મા બહુચરની ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા મુખ્ય મંદિરથી લઈને શમી વૃક્ષ સુધી પહોંચી હતી, જ્યાં માતાજીને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું. લાખો ભક્તો માટે આ ક્ષણ અત્યંત ખાસ અને યાદગાર બની રહી હતી. મા બહુચરના આ ધામની મહિમા અને આસ્થાનું પ્રતીક આ નવલખા હાર આજે પણ લાખો શ્રદ્ધાળુઓને આકર્ષિત કરે છે.
આ પણ વાંચો…ધ્વજા આભે આંબશે: બહુચરાજી મંદિરના શિખરની ઊંચાઈ 86 ફૂટ 1 ઇંચ સુધી વધારાશે