બાંગ્લાદેશની વણસેલી સ્થિતિએ ગુજરાતની વેપારીઓને ચિંતા વધારી, ધંધાને લાગશે ફટકો
અમદાવાદઃ બાંગ્લાદેશની સ્થિતિને માત્ર રાજકીય દૃષ્ટિથી જોવામા આવી છે, પરંતુ દરેક દેશની સ્થિતિ બીજા દેશોને કેટલો આર્થિક ફટકો આપે છે તે સામાન્ય જનતાને ખબર હોતી નથી. પહેલથી રશિયા-યુક્રેનના યુદ્ધ ઈઝરાઈલ-ગાજા વચ્ચેના યુદ્ધ, અમેરિકાની આર્થિક મંદી વગેરેથી હેરાન થતાં ટ્રેડર્સની હાલાત બાંગ્લાદેશમાં ઊભી થયેલી સ્થિતિને લીધે પડ્યા પર પાટું સમાન છે.
ભારતના પાડોશી દેશમાં ફેલાયેલી અશાંતિથી ગુજરાતની ટેક્સ્ટાઈલ અને કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીને મોટી અસર થવાની સંભાવના છે. ગુજરાતના કેમિકલ્સ, ટેક્સ્ટાઈલ ઉદ્યોગના અંદાજે રૂ. 800-1,000 કરોડ ફ્સાયા હોવાનું અહેવાલો કહી રહ્યા છે. અમદાવાદ, સુરત સહિતના વેપારીઓએ બાંગ્લાદેશના શિપમેન્ટ અટકાવ્યા છે, જૂના પેમેન્ટ અટવાયા છે, તેવું અહેવાલો કરે છે. બાંગ્લાદેશે ત્રણ દિવસ માટે તમામ વ્યવહારો અટકાવ્યા હોવાથી સ્થિતિ અસંમજસભરી છે.
ગુજરાતની ટેક્સ્ટાઈલ અને કેમિકલ્સ ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે ગુજરાતથી બાંગ્લાદેશમાં દર મહીને અંદાજે રૂ. 800-1,000નો નિકાસ વેપાર થાય છે. કટોકટીની સ્થિતિના કારણે આ પેમેન્ટ અટવાઈ જવાની સંભાવના છે. કેમિકલ્સ ઉત્પાદકોના કહેવા પ્રમાણે બાંગ્લાદેશમાં ટેક્સ્ટાઈલનું મોટું કામ હોવાથી ગુજરાતથી ડાયઝ ઇન્ટરમીડીયેટ સહિતના કેમિકલ્સની નિકાસ થાય છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા કેમિકલ્સની નિકાસ વધારવા માટે સ્થપાયેલી સંસ્થા કેમેક્સિલના આંકડા પ્રમાણે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન બાંગ્લાદેશમાં અંદાજે રૂ. 5,000 કરોડની નિકાસ થઇ હતી.
સૌથી મોટો ફટકો સુરતને
સુરતથી દર મહિને અંદાજે રૂ. 400-500 કરોડનો વેપાર થતો હોય છે. હાલ આ પેમેન્ટ ક્યારે આવશે તે નક્કી નથી. રાજકીય સંકટના કારણે શિપમેન્ટ અટકાવી દેવામાં આવ્યા છે. જે શિપમેન્ટ પોર્ટ પર છે તેમનું પણ અનલોડિંગ અટક્યું હોવાની માહિતી મળી છે. ગુજરાતથી બાંગ્લાદેશમાં કોટન, યાર્ન, મેનમેડ ફાઈબરનું પશ્ચિમ બંગાળના રસ્તે નિકાસ કરવામાં આવે છે. સુરતથી દર મહીને અંદાજે રૂ. 200 કરોડની નિકાસ થાય છે. હાલ મળતી વિગતો મુજબ બાંગ્લાદેશમાં 3,000થી વધુ ટેક્સ્ટાઈલ મિલોને અસર થશે, જેનું પરિણામ અહીંના ઉદ્યોગો પર પણ આવશે. કેમિકલ ઉદ્યોગને પણ અસર થશે. આ સાથે ખેતપેદાશોની ઘણી વસ્તુઓ પણ મોંઘી થવાની શક્યતા હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.