ખેડામાં આર્યુવેર્દિક લઠ્ઠાકાંડ? સિરપ પીવાથી પાંચ યુવાનના મોતની આશંકા

ખેડાઃ નડિયાદના બિલોદરામાં અને બગડુ ગામમાં એક પછી એક પાંચ યુવાનના મૃત્યુએ ફરી લઠ્ઠાકાંડની શંકા ઉપજાવી છે. જોકે આ વખતે લટ્ઠાકાંડ પણ આયુર્વેદિક હોવાનું બહાર આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાંચેય જણાએ આર્યુવેર્દિક સિરપ પીધું હતું અને તે બાદ તબિયત લથડતા મોતને ભેટ્યા હતા. છેલ્લાં બે દિવસમાં બિલોદરા અને બગડુ ગામમાં 5 લોકોના શંકાસ્પદ મોત થયા છે. ત્યારે એકસાથે યુવકોના મોત બાદ આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઠેર ઠેર રેડ પાડવાનું શરૂ કર્યાના સમાચાર છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ત્રણ ઈસમોની પૂછપરછ કરી રહી છે. પોલીસને શંકા છે કે, આયુર્વેદિક સીરપ પીવાના કારણે જ 5 લોકોના મૃત્યુ થયા છે. પોલીસ જેમની પૂછપરછ કરી રહી છે તેમાંથી ત્રણ ઈસમોમાંથી એક બિલોદરા ગામનો, જેની કરિયાણાની દુકાન છે, એક વ્યક્તિ અમદાવાદનો, જે આ સીરપ સપ્લાય કરતો હતો અને એક વ્યક્તિ નડિયાદનો જે વચેટિયાઓ હોવાનું સૂત્રોથી જાણવા મળી રહ્યુ છે. મળતી માહિતી પ્રમાણે દેવ દિવાળીના દિવસે માતાજીની માંડવીનો કાર્યક્રમ હતો. જેમાં કેટલાક લોકોએ કેફી પીણું પીધું હોવાની શક્યતા છે. આ બાદ કરિયાણાની દુકાનની પાછળ મોટી માત્રામાં સીરપની બોટલ મળી આવી હતી. જે અમદાવાદના જુહાપુરામાં બનતું હોવાની માહિતી મળી છે. મહત્વનું છે કે, બુધવારે ખેડાના નડિયાદના બિલોદરા અને બગડુ ગામમાં ચાર લોકોના શંકાસ્પદ મૃત્યુ થયા હતા. જ્યારે આજે સારવાર દરમિયાન વધુ એકનું મૃત્યુ થતા અરેરાટી વ્યાપી ગઈ છે.
આ સાથે ગ્રામ્ય વિસ્તારોમા ફફડાટ પણ ફેલાયો છે. અગાઉ આ પ્રકારે કોઈ અજાણી બીમારીને લીધે મોત થયાની અટકળો હતી. જોકે હજુ આ મોતનું ચોક્કસ, સત્તાવાર કારણ બહાર આવ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ઠેર ઠેર સિરપના નામે નશીલા પદાર્થોના વેચાણ વિરુ્ધ કાર્યવાહી થઈ છે અને આનું પહેરું અગાઉ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં પણ નીકળ્યું હતું.