Ram Mandir: PM Modiના વતનથી યુવાનો પદયાત્રા કરી પહોંચશે અયોધ્યા
અમદાવાદઃ દેશમાં ચારેય બાજુ રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો માહોલ છે. લોકો ભક્તિના રંગે રંગાયેલા છે અને ઠેર ઠેર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરના યુવાનોએ પણ એક ખાસ આયોજન કર્યું છે.
વડા પ્રધાનના વતન વડનગરથી અયોધ્યા સુધી પવન ચૌધરી અને યુવાનોએ પદયાત્રાનું આયોજન કર્યું છે. આ આયોજન અનુસાર યાત્રા મહેસાણા જિલ્લાના વડનગરથી અયોધ્યા યાત્રા કરી યુવાનો જશે. વડનગરથી અયોધ્યા 1200 કિલોમીટરની આ પદયાત્રાને શ્રી રામ જ્યોત પદયાત્રા નામ આપવામાં આવ્યું છે. જેનો રૂટ ગુજરાત થી રાજસ્થાન થઈને ઉત્તરપ્રદેશનો રહેશે.
દેશમાં ઠેર ઠેર લોકો પદયાત્રાનું આયોજન કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના લોક લાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતનથી પણ યાત્રા નીકળવાની છે ત્યારે તેમનો ઉત્સાહ સ્વાબાવિક રીતે વધારે છે. શ્રીરામ જ્યોત પદયાત્રા વડનગરથી રાજસ્થાન થઈને ઉત્તરપ્રદેશમાં પહોંચી છે. જેમાં યુવાનો અત્યાર સુધી 950 કિલોમીટર ચાલીને ફિરોઝાબાદ પહોંચ્યા છે. વડનગરથી શરૂ થયેલ આ પદયાત્રા 15મી જાન્યુઆરીના રોજ અયોધ્યા પહોંચશે, તેવી માહિતી સૂત્રો દ્વારા મળી છે.
આ અગાઉ પણ ગુજરાતના રાજકોટથી એક 62 વર્ષના ગૃહસ્થ સાયકલ યાત્રા કરીને અયોધ્યા પહોંચ્યા હતાં. તેવી જ રીતે, સુરત થી આધેડવયના 15 લોકો અયોધ્યા પદયાત્રા કરી જઈ રહ્યા હોવાની માહિતી મળી છે. ત્યારે વડોદરાના એક મહંત પણ વડોદરાથી અયોધ્યા બાઈક પર યાત્રા કરી અયોધ્યા પહોંચશે. જોકે ગઈકાલે વડાપ્રધાને લોકોને તેમની ભાવના પર નિયંત્રણ રાખવા અને 22 જાન્યુઆરી કે તેના આસપાસના દિવસોમાં અયોધ્યા ન આવવા અપીલ કરી છે.