ગુજરાતના ઓટોમોબાઈલ ડીલર્સને દિવાળી ના ફળી, નવેમ્બરમાં કારનું વેચાણ ઘટ્યું
અમદાવાદ: દિવાળીના તહેવારો દરમિયાન કારના વેચાણમાં વધારો જોવા મળે છે. નવેમ્બર દરમિયાન સમગ્ર ભારતમાં કારના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી હતી, ત્યારે ગુજરાતમાં કારના વેચાણમાં ઘટાડો નોંધાયો હતો. મળતી માહિતી મુજબ નવેમ્બરમાં, પેસેન્જર કારના વેચાણમાં 18% ઘટાડો થયો હતો.
ડેટા અનુસાર, આ વર્ષે નવેમ્બર મહિના દરમિયાન લગભગ 36,638 કારનું વેચાણ થયું હતું, જયારે ગયા વર્ષે નવેમ્બરમાં 42,947 હતું. ડીલરોના મતે, દિવાળીની રજાઓમાં પાંચ દિવસથી એક સપ્તાહ સુધી ડીલરશીપ બંધ રહેવાને કારણે કારનું વેચાણ ઘટ્યું હતું.
કાર ડીલરોના જણાવ્યા પ્રમાણે તહેવારના સમયગાળામાં વેચાણ રીતે સારું રહ્યું. જો કે, મહિનાના બીજા ભાગમાં વેચાણમાં નોંધપાત્ર મંદી જોવા મળી હતી. એક કારણ એ હોઈ શકે કે આ સમયગાળા દરમિયન લોકો પ્રવાસ પર ગયા હોય છે.
SUV તેમજ હાઇ-એન્ડ અને પ્રીમિયમ સેગમેન્ટની કારની માંગ વધુ રહી હતી. વાસ્તવમાં, કાર મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીના એક્ઝિક્યુટિવ્સ અનુસાર, હાલ લગભગ 50% વેચાણ અન્ય સેગમેન્ટ કરતાં SUVના વેચાણનું હોય છે.
નવેમ્બર મહિનામાં ટુ-વ્હીલર વાહનોના વેચાણમાં પણ ઘટાડો નોંધાયો હતો. નવેમ્બર મહિનામાં ગુજરાતમાં 1.52 લાખ ટુ-વ્હીલરના વાહનોનું વેચાણ થયું હતું. ગયા વર્ષે સમાન મહિનામાં વેચાણ કરાયેલા 1.65 લાખ ટુ-વ્હીલર વાહનો વેચાયા હતા, આમ આ વર્ષે વેચાણમાં 8% ઘટાડો નોંધાયો હતો.