મેયરનો દરબાર’ એટલે નર્યું ડિંડક અને તૂત: અતુલ રાજાણી
રાજકોટઃ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણી રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા (કોર્પોરેટર વોર્ડ નંબર 15)એ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાના મેયર દ્વારા વોર્ડ નંબર એકથી અઢાર દરેક વોર્ડમાં મેયર તમારા દ્વારે (“લોક દરબાર”) પ્રજાકીય પ્રશ્નોનો હકારાત્મક વલણ અપનાવી ઉકેલ લાવવાનો ઉમદા પ્રયાસ છે તેને અભિનંદન સાથે આવકારીએ છીએ, પરંતુ ખાટલે મોટી ખોડની જેમ લોકોના આવેલ પ્રશ્નોનો ઉલાળિયો કરવામાં આવે છે.
આ લોક દરબાર એ ભાજપના મળતિયાનો મેળાવડો છે, કારણ કે શાસકપક્ષના આદેશથી સત્તાધીશોની સીધી દોરવણી હેઠળ માઈકનો હવાલો ભાજપના કાર્યકર્તાઓ પાસે જ વધુ રહે છે અને જે લોકો આવ્યા હોય તે ભ્રષ્ટાચાર કે વણ ઉકેલ્યા પ્રશ્નોની ફરિયાદો કરવામાં આવે તો તેવા લોકોની ફરિયાદો સાંભળવાને બદલે તેને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા બેસાડી દેવામાં આવે છે. મેયર દ્વારા શરૂ કરવામાં આવેલા વોર્ડ વાઇઝના લોક દરબારોએ નર્યું ડિંડક અને તૂત છે.
લોક દરબાર એ ફક્ત નાટકનો એક ભાગ છે. શહેરમાં મેર દ્વારા 18 નાટકો ભજવવામાં આવશે જેમાંથી સાત નાટકો પૂરા થયા હોય અને આજે વોર્ડ નંબર આઠમાં આઠમું નાટક ભજવાશે. લોક દરબાર નું નામ મેયરનો લોક દરબાર છે. મેયર પ્રજાના દ્વારે પરંતુ મેયરને બદલે ટેન્ડિંગ ચેરમેન અને શહેર ભાજપ પ્રમુખ અને સ્થાનિક કોર્પોરેટરો સમગ્ર દરબારનો હવાલો પોતાના હાથમાં લઇ જવાબો આપતા હોય કયા કાર્યકરોને બોલવા દેવા એ અગાઉથી નક્કી હોય તેવું જણાય છે. આ પ્રકારે મેયર રબર સ્ટેમ્પ હોય એવું જણાય છે.
રાજકોટની જનતાએ મેયરનું લોકોના વ્યાજબી સમસ્યાઓ પ્રત્યે અગાઉ લેખિતમાં મૌખિક ધ્યાન દોરવા છતાં આજદિન સુધી હકારાત્મક કે નકારાત્મક પ્રત્યુતર મળેલ નથી અને ભાંગેલા રસ્તા, ગટર, ગંદકી, સફાઈ, વરસાદી પાણી ના નિકાલની સમસ્યા, ન્યુસન્સ પોઇન્ટ, દબાણો, મહાનગરપાલિકા માં ચાલતા બેફામ ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓના પ્રશ્નો આજે પણ લટકતા રહ્યા છે.
આમ જોઈએ તો શહેરના કહેવાતા સ્માર્ટ સિટીમાં લોક સમસ્યાઓ અપરંપાર છે અને ખુદ મેયરના વોર્ડમાં જ ગંદકી, પાણી ભરાવાની સમસ્યા, ઉભરાતી ગટરો, તૂટેલા રસ્તા સહિતની સમસ્યાઓ ખુદ મેયર ઉકેલી નથી શક્યા જ્યારે લોક દરબાર એ આગામી ચૂંટણીને ધ્યાનમાં લઇ પ્રસિદ્ધિ સિવાય કશું છે નહીં. ભૂગર્ભ ગટર છલકાવવાની હજારો ફરિયાદો એક વર્ષમાં થાય છે શહેરમાં બે પાંચ ઇંચ વરસાદમાં લોકોના ઘરમાં ગોઠણભેર પાણી ભરાય છે. શહેરભરમાં ભાંગેલા અને તૂટેલા રસ્તાઓ તે લોકો ત્રસ્ત છે.
ગ્રીનલેન્ડ ચોકડી હોય માધાપર ચોકડી શહેરમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે અનેક સમસ્યાઓથી ખૂદ મેયર વાકેફ હોવા છતાં ઉકેલવામાં આવી નથી. આ પ્રકારના લોક દરબારોએ અધિકારીઓનો અને પદાધિકારીઓનો સમય બરબાદ કરી લોકોને ખો આપવાની નીતિ બંધ કરવી જોઈએ.
રાજકોટ મહાનગરપાલિકાના મેયરને પોતાના શાસનકાળ દરમિયાન અત્યાર સુધીમાં મળેલી ફરિયાદો નો આંકડો અને કેટલી ફરિયાદનો નિકાલ કરેલ છે તેની વિગતો જાહેર કરવી જોઈએ કારણ કે કમિશનર અને મેયરને કરવામાં આવતી ફરિયાદો કચરાપેટીમાં સ્વાહા કરવામાં આવે છે. ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો કોલ આપનારી રાજકોટ મહાનગરપાલિકામાં ગેમ ઝોનના ભ્રષ્ટાચારમાં સમગ્ર રાજકોટ નહીં, પરંતુ ગુજરાતની જનતા વાકેફ છે. અંતમાં સાગઠીયા અને રાજાણીએ જણાવ્યું હતું કે જો લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવી ન હોય તો આ પ્રકારના નાટકો શાસકો દ્વારા તાત્કાલિક બંધ કરવા જોઈએ.